અમદાવાદીઓએ એક વર્ષમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 7.24 કરોડનો દંડ ભર્યો
અમદાવાદીઓએ એક વર્ષમા ટ્રાફિક નિયમના ભંગ બદલ 7.24 કરોડનો દંડ ભર્યો છે. અમદાવાદમા છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક નિયમનો ભંગ બદલ 6.78 લાખ વાહનચાલકોને રૂ.52.06 કરોડના ઈ-મેમો ઈશ્યુ કરાયા હતા. પરંતુ માત્ર 99 હજાર વાહનચાલકોએ રૂ.6.98 કરોડનો દંડ ભર્યો છે. જ્યારે 5.97 લાખ વાહનચાલકોએ રૂ.45.08 કરોડનો દંડ ભરવાનો બાકી છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ-મેમો જનરેટ કરવામાં આવે છે.
જોકે વાહનચાલકો ઈ-મેમો ભરતા ન હોવાનું સામે આવ્યું છે. ઈ-મેમો ઈશ્યુ થયા પછી 60 થી 90 દિવસ સુધીમાં જો ઈ-મેમો ન ભરાય તો વર્ચ્યુઅલ કોર્ટમાં તે મેટર જાય છે. ત્યાર બાદ કોર્ટ તરફથી જે આદેશ કરવામાં આવે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. આ દંડને લઈને ટ્રાફિક પોલીસ સૌથી વધુ દંડ ટુ વ્હીલર ચાલકો પાસેથી 4.56 કરોડની ઉઘરાણી કરી તો હેવી વાહનો પાસેથી 98 લાખ, ફોર વ્હીલર ચાલક પાસેથી 78 લાખ અને થ્રી વ્હીલર ચાલકોએ 92 લાખ દંડ ચૂકવ્યો છે. એક વર્ષમા 7.24 કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ
ટ્રાફિકના નિયમનને લઈને પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે. ટ્રાફિકના 33 જેટલા નિયમોને લઈને દંડ વસુલ કરવામા આવે છે. હજુ પણ ઈ મેમોના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે. જેથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.