રાજ્યમાં ફરી કોરોના પ્રવેશથી ફફડાટ, ગાંધીનગરમાંથી 2 કોરોના કેસ મળ્યા
ગાંધીનગર :
દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડવાઈઝરી બહાર પાડી છે. તેવામાં હવે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યા છે. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટના કેસ હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. આ બંને મહિલાઓએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી. બંને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ લીધેલા છે. ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થતા જ રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હાલ ગાંધીનગર હેલ્થ વિભાગે ટ્રેસિંગ કામગીરી શરૂ કરી દીધી છે. સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલી દેવાયા છે.
દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1ને કેરળમાં સમર્થન મળ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચના મોત થયા છે.
દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવાના શરૂ થઈ ગયા છે. કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટની જાણકારી મળ્યા પછી કેરળ સરકાર સક્રિય થઈ ગઈ છે. તેણે રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યુ છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાના વધતા કેસોથી ચિંતિત છે.