ગાંધીનગરમાં ક્લાસ-2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત થયું
રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધતી ચાલી છે. ગાંધીનગરમાં ક્લાસ-2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
હાલમાં જ ક્લાસ 2 અધિકારીની પરીક્ષા પાસ કરીને અધિકારી બનનારા 29 વર્ષીય જયંત સોની નામના આશાસ્પદ યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. તેમણે GWSSBમાં હાલમાં જ 1 રેન્ક મેળવ્યો હતો. અધિકારી બન્યા બાદ ગાંધીનગરમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી. હોસ્ટેલમાં તેમને દુઃખાવો થતા ચેક-અપ માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જ તેમનું મોત થયું હતું. પ્રાથમિક તારણ અનુસાર,
તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. પોસ્ટ મોર્ટમ બાદ તેમના મૃતદેહને અજમેર લઈ જવાશે. હાલમાં જ તેમણે GWSSB (પાણી પુરવઠા) ક્લાસ 2ની પરીક્ષા પાસ કરી હતી, જેમાં તેમનો રેન્ક 1 આવ્યો હતો. તેઓ મૂળ રાજસ્થાનના અજમેરના રહેવાસી હતા અને ગાંધીનગરમાં અભ્યાસ કર્યો હતો.