Hit and Run New Law: ટ્રક ચાલકોના આક્રમક આંદોલનથી સરકાર ડરી, હાલ કાયદાનો અમલ નહીં
દેશભરમાં ટ્રક એસોસિએશનના વિરોધ વચ્ચે કેન્દ્રએ મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય ન્યાય સંહિતામાં હિટ એન્ડ રનના કેસ અંગેના નવા કાયદા અને જોગવાઈઓ હજુ અમલમાં આવી નથી. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે.
ગૃહ મંત્રાલયે મંગળવારે હડતાળના બીજા દિવસે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે તેઓએ ટ્રક ડ્રાઇવર્સની ચિંતાઓને ધ્યાનમાં લીધી છે અને આંદોલનકારીઓને પાછા ફરવા અપીલ કરી છે.
આ દરમિયાન અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસ (એઆઇટીસી)ના પ્રતિનિધિઓ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને મળવા માટે દિલ્હીના ગૃહ મંત્રાલય પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને સરકારે કાયદાને લાગુ કરતા પહેલા વાતચીત કરવાની વાત કરી છે. ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) હેઠળ હિટ એન્ડ રન કેસમાં કડક જેલ અને દંડની જોગવાઈ છે. તેની સામે ટ્રક, બસ અને ટેન્કર ચાલકોએ ત્રણ દિવસની હડતાળ શરૂ કરી છે.