ગાંધીનગર

જિલ્લામાં પુરુષ કરતા સ્ત્રી મતદારોમાં થયો વધારો

 

લોકસભાની ચૂંટણી કામગીરી શરૃ થઇ ગઇ છે એક બાજુ મતદાન મથકો અને બેલટનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે તો બીજીબાજુ ચૂંટણી માટે અતિ મહત્વની ગણાતી મતદારયાદીને પણ ક્ષતિરહિત અને લેટેસ્ટ બનાવવામાં આવી રહી છે જે અંતર્ગત એક્ટોબરના અંતથી શરૃ થયેલી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધી ચાલ્યો હતો.

જેમાં ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોમાં મતદારોના નામ ઉમેરવા અને કમી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં નવી મતદાર યાદી પ્રસિધ્ધ કરાતા તેમાં કુલ ૨૪,૨૦૨ મતદારોનો ઉમેરો થયો છે. હવે કુલ ૧૩.૪૨ લાખ મતદારો નોંધાયા છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ આ પ્રકારે મતદારયાદી સુધારણા માટે મતદાન મથકો ઉપર તથા જ્યાં પાંચેય વિધાનસભાના આરઓ ઓફિસ છે ત્યા પણ મતદારો ફોર્મ ભરી શકતા હતા. આ ઉપરાંત ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર પણ સુધારા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા.

ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકો ઉપર આ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કુલ ૩૬ હજાર જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે નવા ઉમેરવા માટેના ફોર્મ વધુ ભરાયા હતા.લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તા.૧લી જાન્યુઆરી,૨૦૨૪ના રોજ જેમને ૧૮ વર્ષ થતા હોય તેવા યુવાનોને પણ ઉમેરવામાં આવ્યા હતા.

તા.૨૭મી ઓક્ટોબરથી તા.૯મી ડિસેમ્બર સુધી ચાલેલા આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકમાં કુલ ૨૪,૨૦૨ મતદારો વધ્યા છે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાંચેય બેઠકમાં મળીને કુલ ૨૫,૮૨૬ મતદારો ઉમેરાયા છે. જે પૈકી ૧૨,૧૩૦ પુરુષ મતદારો છે જ્યારે ૧૩,૬૯૬ સ્ત્રી મતદારોનો ઉમેરો થયો છે. આમ, ગાંધીનગર જિલ્લામાં પુરુષ મતદારો કરતા સ્ત્રી મતદારોમાં વધુ વધારો થયો છે. તો જિલ્લામાં કુલ ૮,૭૧૮ જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x