કોના નામની લોટરી ખુલશે? આજે 4 વાગે ગુજરાતના નવા CMના નામની જાહેરાત, સોમવારે શપથ
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના નવા મુખ્યમંત્રીની વરણીના નિરીક્ષક નીતિન ગડકરી તેમજ સરોજ પાંડેની ઉપસ્થિતિમાં શુક્રવારે સાંજે 4 વાગ્યે ભાજપના ધારાસભ્યોની બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે મળશે. બેઠકમાં ભાજપના વિધાનસભા ગૃહના નવા નેતાની વરણીપ્રક્રિયા હાથ ધરાશે, જેના અંતે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. ગુરુવારે આખો દિવસ અમિત શાહના નિવાસસ્થાને કેન્દ્રીય પદાધિકારીઓ તેમજ રાજ્યના વરિષ્ઠ આગેવાનો અને મંત્રીઓની બેઠકોનો દોર ચાલ્યો હતો.
ગાંધીનગરમાં થયેલી ચર્ચા મુજબ નીતિન પટેલનું નામ સીએમ પદ માટે નક્કી થઈ ગયું છે અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે તેથો શપથ લેશે. આજે 4 વાગે કમલમ ખાતે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ કહ્યું હતું કે કેન્દ્રીય નિરિક્ષણોની ધારાસભ્યો સાથે ચર્ચા બાદ નામ જાહેરાત કરવામા આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો, મંત્રીમંડળમાંથી કોને સંગઠનમાં જવાબદારી સોંપવી તેમજ રાજ્યની સાંપ્રત સ્થિતિ અને 2017 સુધીની રણનીતિને ધ્યાનમાં રાખીને સંગઠનમાં કેવા ફેરફારો કરવા તે અંગે મનોમંથન કરાયું હતું. ગુરુવારે અમિત શાહના થલતેજ ખાતેના બંગલો પર સતત બેઠકોનો દોર ચાલ્યો હતો. સવારથી બપોરના સમય દરમિયાન પ્રદેશપ્રભારી દિનેશ શર્મા અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતિષે શાહની મુલાકાત કરી હતી.
બપોરે 4 વાગ્યે આ બંને પદાધિકારી ફરીથી શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમના આવ્યા બાદ વિજય રૂપાણી, નીતિન પટેલ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રકાકાએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ નેતાઓની વિદાય બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમણલાલ વોરા, જયંતિ કવાડિયા અને ગણપત વસાવાએ અમિત શાહની મુલાકાત યોજી હતી.
બે દિવસથી નીતિન પટેલ દેખાય છે ખુશખુશાલ
આજે અમિત શાહને મળવા પહોંચેલા નીતિન પટેલ ખુશખુશાલ દેખાઈ રહ્યાં છે. બુધવારે પણ ગાંધીનગરમાં બે કેન્દ્રીય નેતાની વિવિધ નેતાઓ સાથે બેઠક પછી જે સંકેત મળ્યા બાદ પણ તેઓ ખુશ દેખાતા હતા. પસંદગીના બે દિવસ પહેલાં ભાજપના કોઈ પણ નેતામાં આટલો આત્મવિશ્વાસ હોતો નથી જેટલો નીતિન પટેલમાં દેખાયો.
આનંદીબહેન સરકારમાં સેકન્ડ ઈન કમાન્ડ રહેલા નીતિન પટેલના હાવ-ભાવ હૂ-બ-હૂ નવા મુખ્યમંત્રી જેવા હતા. પક્ષના પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા સાથે બુધવારે વિજય રૂપાણી અને નીતિન પટેલ સહિત વિવિધ નેતાઓની બેઠક યોજાઈ. બેઠકમાંથી નિકળ્યા બાદ સૌથી વધુ આત્મવિશ્વાસ નીતિન પટેલના ચહેરા પર દેખાયો. સ્પષ્ટ સંકેત પણ મળ્યા કે તેઓ જ ગુજરાતના નવા મુખ્યમંત્રી હશે. મીડિયામાં તેમનો બાયોડેટા પણ મોકલાયો. પરંતુ છાતી ઠોકીને કશું જ કહી શકાય તેમ નથી.