રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4500 જ્ઞાન સહાયકની ફાળવણી
રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક બનવા માટે હાથ ધરવામાં આવેલી ભરતીની કાર્યવાહી દરમિયાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયા બાદ હવે શાળા પસંદગીની કાર્યવાહી શરૂ કરાઈ હતી. આ કાર્યવાહીના અંતે રાજ્યમાં 4500 જ્ઞાન સહાયકોને શાળા ફાળવણી કરાઈ છે.
જેથી હવે તેઓ શાળામાં હાજર થવા જશે અને બે દિવસ પછી કેટલા જ્ઞાન સહાયકો હાજર થયા છે તેની વિગતો સામે આવશે. માધ્યમિક વિભાગમાં પણ ઘણા જ્ઞાન સહાયકો હાજર થયા ન હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ 223 જ્ઞાન સહાયકોને શાળા ફાળવણી કરી તેમને શાળામાં હાજર થવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક બનવા માટે જાહેર કરાયેલા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં 11170 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.