કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લેતા મુખ્યમંત્રી પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી અને અબોલ જીવોની સારવાર માટે થતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું. ઘાયલ પશુ-પક્ષી દેખાય તો તરત સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા મુખ્યમંત્રી પટેલે સૌને અપીલ કરી છે. આ અવસરે, વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ તેમણે મુલાકાત લીધી હતી.
આ અભિયાન અંતર્ગત, ઉત્તરાયણ દરમિયાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે ૯૦૦થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૭૦૦થી વધારે વેટરનિટી તબીબો તેમજ ૭૭૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. અબોલ જીવોની કાળજી માટે ગુજરાતનું આ એક આગવું અભિયાન છે. આ અભિયાન હેઠળ,
ગયા વર્ષે ૧૩,૦૦૮ પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઉત્તરાયણ દરમિયાન અબોલ જીવોને કોઈ નુકસાન ન થાય તે રીતે પર્વની ઉજવણી કરીએ, અને ઘાયલ પશુ-પક્ષી દેખાય તો તરત સારવાર કેન્દ્રનો સંપર્ક મુખ્યમંત્રી પટેલે સૌને અપીલ કરી છે.