જિલ્લામાં ઉતરાયણના બે દિવસ દરમિયાન 108એ દોરી વાગવા સહિતના 150થી વધુ કોલ એટેન્ડ કર્યા
શહેર અને જિલ્લામાં ઉતરાયણ પર્વમાં રોડ અકસ્માત સહિત અન્ય દુર્ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગાંધીનગર જિલ્લામાં ૧૦૮ની એમ્બ્યુલન્સ વાન દ્વારા ઉતરાયણના દિવસ દરમ્યાન દોડધામ કરતી જોવા મળી હતી તો રોડ અકસ્માત, ધાબાપરથી પડી જવાના તેમજ મારામારી સહિતના કેસ મળી ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે ૧૨૯ કેસ એટેન્ડ કર્યા હતા.
જેમાં ધાબા ઉપરથી પટકાવાના છ કેસ જ્યારે દોરી વાગવાના કેસ પણ મળી આવ્યા હતા. ઉત્તરાયણ પર્વના બે દિવસ દરમ્યાન ૧૦૮ની એમ્બ્યુલેન્સ વાન દોડતી રહી હતી. બે દિવસ દરમ્યાન ૧૫૦થી વધુ કોલ એટેન્ડ કર્યા છે. પતંગ ચગાવવાની ધારદાર દોરીથી ગંભીર ઇજાઓ થવાના ગાંધીનગર જિલ્લામાં ૧૯ બનાવો બન્યા હતા. બે દિવસમાં દોરી વાગવાના બનાવોને કારણે ઉત્તરાયણ સેઇફ રહી નથી તેમાં જિલ્લામાં બે દિવસ દરમ્યાન ૧૯ લોકોને દોરી વાગવાની ઘટનાઓ બનવા પામી હતી જેમાં તાત્કાલિક સારવાર કરીને ઈજાગ્રસ્તોને બચાવી લેવામાં આવ્યા હતા.
જેમાં શિહોલી મોટી ગામમાં તો એક વ્યક્તિનું નાક જ ધારદાર દોરીને કારણે કપાઇ ગયું હતું. તો બે યુવાનોને ગળાના ભાગે આઠથી દસ ટાંકા લેવાની નોબત આવી હતી. આ ઉપરાંત આ બે દિવસ દરમિયાન ધાબા કે અગાસીમાંથી પડવાના બનાવો પણ બન્યા છે. જેમાં બે દિવસમાં ૬ વ્યક્તિઓ ધાબા પરથી પડયા હતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી.