વડોદરા હોડી દુર્ઘટના: PMOએ સાંત્વના પાઠવી સહાય કરી જાહેર
વડોદરાના હરણી તળાવમાં પ્રવાસમાં આવેલા સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓની બોટ પલટી ગઈ હતી. આ બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. આ બોટમાં 23 જેટેલા બાળકો સવાર હતા. આ કરુણ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં 12 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે. ઘટનાને લઈને સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારે હવે આ ઘટના પર પીએમઓ તરફથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે. પીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવામાં આવી છે. આ ઉપરાંત મૃતકોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000ની મદદ કરવામાં આવી છે.