GIFT સિટીમાં ફિલ્મફેર એવોર્ડને લઈ જાહેરનામું કરાયું પ્રસિદ્ધ
28 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત ટુરિઝમના સહયોગથી 69માં હુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડનું આયોજન GIFT સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં VVIPઓ આવવાના હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત 28 જાન્યુઆરીએ GIFT સિટી તરફ જતો રસ્તો વાહનો માટે બંધ રાખવામાં આવશે. જો કે વાહન ચાલકો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે.
જિલ્લા કલેક્ટરની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ, 28મી જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી એમ 12 કલાક સુધી PDPU રોડથી GIFT સિટી તરફ જતો સિગ્નેચર બ્રિજ અને GIFT સિટીની અંદર જતો રસ્તો વાહનો માટે બંધ રહેશે. જો કે વાહન ચાલકો આ દરમિયાન કોબા હાઈવે થઈને કરાઈ કેનાલથી ડાબી બાજુ વળીને ચિલોડા હાઈવે અને અન્ય ગામડાઓમાં થઈને વૈકલ્પિક માર્ગ પરથી જઈ શકશે.