2030 સુધીમાં ભારતના 30 હજાર સ્ટુડન્ટને ફ્રાન્સમાં આમંત્રિત કરવાનો લક્ષ્ય: મેક્રોન
ભારતીય સ્ટુડન્ટ હાયર એજ્યુકેશન માટે અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયાને વધારે પસંદ કરે છે. પરંતુ યુરોપના બીજા દેશો પણ ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમાંથી એક દેશ ફ્રાન્સ પણ ભારતીય સ્ટુડન્ટ માટે રાહતો જાહેર કરી રહ્યો છે. ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન આજે 26 જાન્યુઆરીએ ભારતના મહેમાન બન્યા છે. આ પ્રસંગે તેમણે ભારતીય સ્ટુડન્ટને આનંદ થાય તેવી જાહેરાત કરી છે. તેમણે ભારતીય વિદ્યાર્થીઓ માટે ખાસ વિઝા અને ક્લાસિસ શરૂ કરવાનું એલાન કર્યું છે. મેક્રોને જણાવ્યું કે તેઓ ભારતના 30,000 સ્ટુડન્ટને ફ્રાન્સ લાવવાનો ધ્યેય ધરાવે છે. આ ઉપરાંત ભારતીય સ્ટુડન્ટ માટે ફ્રાન્સમાં હાયર એજ્યુકેશનના બીજા માર્ગો પણ ખોલવામાં આવશે. મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જણાવ્યું કે જે ભારતીય સ્ટુડન્ટે એક વખત ફ્રાન્સમાં અભ્યાસ કર્યો હશે તેમના માટે વિઝાની પ્રોસેસ ઘણી સરળ બની જશે. પ્રજાસત્તાક દિને ભારતના મુખ્ય અતિથિ બનેલા મેક્રોને જણાવ્યું કે 2030 સુધીમાં ભારતના 30 હજાર સ્ટુડન્ટને ફ્રાન્સમાં આમંત્રિત કરવાનો લક્ષ્ય છે. મેક્રોને કહ્યું કે આ બહુ મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ છે. અમે આ ચીજને પાર પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.