AAPના ધારાસભ્યોને 25 કરોડમાં ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે ભાજપ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક ગંભીર આરોપ કરીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. કેજરીવાલે દાવો કર્યો કે ભાજપે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને દરેકને 25-25 કરોડમાં પાર્ટી છોડવાની ઓફર કરી છે. કેજરીવાલ સરકારને ઉથલાવાની પણ ધમકી આપવામાં આવી છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે તેમની પાર્ટીના સાત ધારાસભ્યોનો અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે કે કેજરીવાલની ટૂંક સમયમા ધરપકડ થશે અને તેથી તમે 25 કરોડ લઈ લો અને આમ આદમી પાર્ટી છોડી દો. કેજરીવાલના જણાવ્યા અનુસાર, ફોન કરનારાઓએ આપના 21 ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો અને દિલ્હી સરકારને ઉથલાવ્યા બાદ ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ સાથે 25-25 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આપના તમામ સાત ધારાસભ્યોએ આ ઓફરને નકારી કાઢી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હીમાં આપ સરકારને અસ્થિર કરવા માટે કથિત દારૂના કૌભાંડના સંદર્ભમાં તેમની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક પત્રકાર પરિષદ દરમિયાન, દિલ્હીના પ્રધાન આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે દિલ્હીમાં ‘ઓપરેશન લોટસ 2.0’ શરૂ કર્યું છે, તેમણે નિર્દેશ કર્યો હતો કે ગયા વર્ષે આપના ધારાસભ્યોને પૈસાની લાલચ આપવાનો આવો જ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.