ઝારખંડના નવા મુખ્યમંત્રીની 5 ફેબ્રુઆરીએ અગ્નિ પરીક્ષા, બહુમતી સાબિત કરવી પડશે
ઝારખંડમાં ચંપઈ સોરેને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સરાયકેલા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ચંપાઈ સોરેન ઝારખંડના 12મા મુખ્યમંત્રી બન્યા છે. ચંપઈ સોરેન સાથે કોંગ્રેસના કોટામાંથી આલમગીર આલમ અને આરજેડી ક્વોટામાંથી સત્યાનંદ ભોક્તાએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મુખ્યમંત્રી અને બંને મંત્રીઓને પદના શપથ લેવડાવ્યા હતા. પરંતુ આ નવી સરકારને પાંચ ફેબ્રુઆરીએ બહુમત સાબિત કરવી પડશે.
નવી સરકારને બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલે 10 દિવસનો સમય આપ્યો હતો. બહુમતી સાબિત કર્યા બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. શપથ લીધા બાદ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને જણાવ્યું હતું કે,’હેમંત બાબુ દ્વારા શરૂ કરાયેલું કામ પૂર્ણ કરીશું. ઝારખંડના આદિવાસીઓ અને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે અગાઉની સરકાર દ્વારા હેમંત સોરેનના નેતૃત્વમાં શરૂ કરાયેલું કામ અને યોજનાઓ સમયસર પૂર્ણ થશે.’
અગાઉ ચંપઈ અને ગઠબંધન નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ બુધવારે રાત્રે 9 વાગ્યે રાજ્યપાલને મળવા ગયા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ રાજ્યપાલ શપથ ગ્રહણ માટે સમય આપી રહ્યા નહોતા. ઝારખંડમાં નવા સીએમની પસંદગીની પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે ED એ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની ધરપકડ કરી હતી.