આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ૧૨ લોકોને ત્યાં EDના દરોડા
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્રીય એજન્સી ઇડી વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. ઇડીએ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ૧૨ લોકોને ત્યાં દરોડા પાડયા હતા, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સેક્રેટરી બિભાન કુમાર અને આપના સાંસદ એન. ડી. ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. ઇડીના આ દરોડાને કારણે દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. આપે આરોપ લગાવ્યો છે કે ઇડી તપાસ દરમિયાન રેકોર્ડ કરાયેલા નિવેદનોનો નાશ કરી રહી છે. દિલ્હી જળ બોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર કરીને ‘આપ’ને રૂ. ૨૧ કરોડની કટકી મળ્યાના આરોપો લગાવવામાં આવ્યા હતા, જે સંદર્ભે ઇડીએ આ દરોડા પાડયા હતા.
મની લોન્ડરિંગ કાયદા હેઠળ એજન્સીએ વહેલી સવારે સાત વાગ્યાથી તપાસ શરૂ કરી દીધી હતી અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ૧૨ લોકોને ત્યાં દરોડા પાડયા હતા. જે લોકોને ત્યાં તપાસ કરાઇ છે તેમાં કેજરીવાલના સેક્રેટરી બિભાન કુમાર, દિલ્હી જળ બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમાર, આપના રાજ્યસભાના સાંસદ એન ડી ગુપ્તાની ઓફિસ, સીએ પંકજ મંગલ અને અન્યોના સ્થળોનો સમાવેશ થાય છે.