સરગાસણની હરિદેવ આત્રેયા સોસાયટીમાં બ્રોશર પ્રમાણે સુવિધા નહીં મળતા બિલ્ડર સામે રેરામાં ફરિયાદ નોંધાઇ
ગાંધીનગર :
સરગાસણ ખાતે આવેલ હરિદેવ આત્રેયા કો. ઓપ. સોસાયટીના રહિશોએ બિલ્ડર સામે રેરામાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બિલ્ડરે સ્કિમ પુર્વે ગ્રાહકોને આપેલા બ્રોશરમાં જે સુવિધાઓ આપવાની ખાતરી આપી હતી તે ખાતરી પ્રમાણે કામ કરવામાં આવ્યુ નથી. રહિશોએ સ્કિમનું બાંધકામ નબળુ હોવાની પણ ફરિયાદ કરી છે. તેઓએ આ મામલે ૩૦ દિવસમાં સુવિધાઓ અપાવવાની માંગ કરી છે. સરગાસણ સ્થિત હરિદેવ આત્રેયા કો. ઓપ. હા. સોસાયટી વતી પટેલ અનિલભાઈ લાલજીભાઇ તથા પટેલ પિનાકીનભાઈ હરિલાલે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી સમક્ષ હરિદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની ભાગીદારી પેઢી તથા હરિદેવ ઈન્ફા.ના ભાગીદાર ક્ષિતીજ ડી. પટેલ સામે રેરા એક્ટની કલમ ૩૧ અન્વયે લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છેકે, હરિદેવ આત્રિયા પ્રોજેક્ટમાં તેઓએ ફ્લેટ ખરીદ્યો છે. પરંતુ સામાવાળાઓએ બ્રોશર તથા મંજુર થયેલ પ્લાન મુજબની સુવિધાઓ જણાવવામાં આવી હતી તે પુરી પાડી નથી. ઘણીખરી સુવિધાઓ ખામી યુક્ત અને અધકચરી પુરી પાડવામાં આવી છે. બ્રોશરમાં દર્શાવ્યા પ્રમાણે એન્ટ્રન્સ તથા પાણીનો ફુવારો બનાવી આપ્યો નથી. બાલ્કનીની ગ્રીલ તથા સોસાયટીના બહારના ભાગે લાઇટીંગની વ્યવસ્થા કરાઇ નથી. ધાબા પર કાચના ટફન ગ્લાસની ગ્રીલ આપી નથી. પ્રોજેક્ટના કોઈ એક બ્લોકની અગાસી પર જીમ અને યોગા રૂમ રૂફટોપ સહિત બ્રોશરમાં દર્શાવ્યુ છે. જે મુજબની કોઈ પણ સુવિધા કે જીમ યોગાના સાધનો આપવામાં આવ્યા નથી. એમિનીટીઝમા જણાવ્યા પ્રમાણે સ્વિમીંગ પુલ, ઇન્ટરકોમ સિક્યુરીટી કંટ્રોલ ઓટોમેટિક બુમ બેરિયર તથા બ્રોશરમાં જણાવ્યા પ્રમાણે બેડ મિટન કોર્ટ પનાવી આપેલ નથી. ચિલ્ડ્રન પ્લે એરિયા તથા બિલયર્ડ ટેબલ પણ જણાવ્યા પ્રમાણેના નથી. લિફ્ટ પણ હલકી ગુણવત્તાની છે. ફાયરના સાધનો પણ પુરતા નથી. પરમેનન્ટ સ્ટ્રક્ચર પણ નબળુ અને ઉતરતી ગુણવત્તાનું છે. આરસીસીનું બાંધકામ નબળી કક્ષાનું હોય આરસીસી બ્લોક ઉખડી જવાનુ અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી વોટર પ્રુફિંગના અભાવે ભોંયરામાં લીકેજનો પ્રશ્ન ઉભો થયેલ છે. આ મામલે વારંવાર ૨જુઆતો કરવા છતા કોઈ નિવેડો આવ્યો નથી. જેથી ફરિયાદીઓએ ૩૦ દિવસમાં બ્રોશર અને મંજુર થયેલ પ્લાન મુજબની સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી સામાવાળા વિરૂધ્ધ હુકમ કરવા માંગ કરી છે.