RTOના સર્વર ઠપ્પ થતાં રાજ્યના 30 હજાર અરજદાર ઓનલાઇન કામગીરી કરી ન શક્યા
RTOના સર્વર ઠપની અસરથી બુધવારે રાજ્યના 30 હજાર અરજદાર ઓનલાઇન કામગીરી કરી શક્યા નહતાં. બુધવારે RTO કચેરીમાં કામગીરી થતી હતી, પરંતુ અરજદારો માટે ઓનલાઇન કામગીરી બંધ રહેવાના લીધે લાઇસન્સ સંબંધિત કામગીરી નહીં થઈ શકતા અરજદારો પરેશાન થઈ ગયા હતા. વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પણ એપોઇન્ટમેન્ટ લઇ શક્યા ન હતા. એજન્ટોને કામગીરી સોંપી દેવા મજબૂર બની ગયા છે. હવે સર્વર ઠપથી માત્ર અરજદારોને અસર થઈ રહી છે. ઓએસડી બેજવાબદાર રહીને લોકોને સાચી માહિતી આપવાથી દૂર રહેતા હોવાનો પૂર્વ અધિકારીઓએ આક્ષેપ કર્યો છે. વાહનવ્યવહારના સર્વરમાં છેલ્લા 15 દિવસથી સર્વરની સમસ્યા હોવા છતાં ત્રણેય ઓએસડી સાચી માહિતી છુપાવી રહ્યા છે. સાચી માહિતી ન મળતા અરજદારો હવે સરકારી બાબુઓ વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે. કેટલાક અરજદારોએ તો પોતાના જનપ્રતિનિધિઓને ફરિયાદ પણ કરી છે. તેમ છતાં છેલ્લા 15 દિવસથી સર્વરની સમસ્યા દૂર થતી નથી. બુધવારે તો આરટીઓમાં સર્વર ચાલુ હતુ, પરંતુ લાઇસન્સ સંબંધિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવી એપોઇન્ટમેન્ટ સહિત રિન્યુ, ડુપ્લિકેટ, એડ્રેસ ચેન્જની ઓનલાઇન અરજી થઇ શકી ન હતી. જેની રાજ્યમાં અંદાજે 30 હજારને અસર થઈ હોવાનું જણાવતા પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, અગાઉ સર્વરની સમસ્યા સામાન્ય હતી.