હલ્દવાની હિંસા: 6 લોકોનાં મોત, 300ને ઇજા, બજાર-સ્કૂલો, ઇન્ટરનેટ બંધ
બનભુલપુરા વિસ્તારમાં સરકારી જમીનમાં બનેલા એક મદરેસા પર બૂલડોઝર ફરતાં સ્થાનિક લોકોએ નગર પાલિકા તેમ જ પોલીસના વાહનોમાં આગ લગાવી દીધી હતી. સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના પગલે આખાય વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. સરકારે ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી અને તોફાની તત્વોને દેખો ત્યાં ઠારનો આદેશ આપતા મામલો વધારે ગંભીર બન્યો હતો. બબાલમાં મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં 6 લોકોના મોત થઇ ચૂક્યા હતા. મહિલા એસડીએમ અને એસપી સહિત અંદાજિત 250થી વધુ લોકો પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયા હતા, આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.