દહેગામ ખાતે રૂપિયા ૧૬૩૮ લાખના ખર્ચે 5 ચેકડેમોનું મંત્રી કુવરજીભાઈ હસ્તે ખાતમુર્હૂત કરાયું
‘જળ એ જીવન છે’, શરીરની રચના હોય કે સૃષ્ટિની રચના પ્રત્યેકમાં જળ મહત્વનો ભાગ ગણાય છે. જળ સંપત્તિ વિભાગના નક્કર અને અસરકારક પ્રયત્ન થકી આજે ગુજરાત પાણીદાર બન્યું છે. અને તેના થકી પ્રત્યેક ઘરોને ‘નલ સેજલ’ અને પ્રત્યેક જમીનને સિંચાઈ માટે પાણી મળી રહે તેમાટે આયોજનબધ્ધ કામો થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા રૂપિયા ૧૬૩૮ લાખના ખર્ચે કુલ પાંચ ચેક ડેમોના કામનું જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું.
આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દહેગામ તાલુકા માટે આજે ખૂબજ ખુશીનો દિવસ છે. આ પાંચ ડેમોને કારણે આસપાસના ઘણા ગામોને પાણીનો પ્રશ્ન દૂર થશે. આ ચેકડેમ થકી આ વિસ્તારના ભૂગર્ભજળના તળ ઊંચા આવશે. વર્ષોથી આ સુકા વિસ્તારમાંજે પાણીની અગવડનો પ્રશ્ર્ન હતો તેનો હવે અંત આવશે. તે માટે તેઓએ ગ્રામજનો વતી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉદબોધન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ દહેગામ તાલુકા ખાતે ખારી અને મેશ્વો નદીને પુનર્જીવિત કરવા માટે નદી પર સિરીઝ ઓફ ચેકડેમના કામો માટે ખાતમુહુર્ત પ્રસંગે આનંદની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે,દહેગામ તાલુકાના આ સૂકા વિસ્તારોમાં રુપિયા ૧૬૩૮ લાખના ખર્ચે આજે કુલ પાંચ ચેકડેમોનું ભૂમિ પૂજન કરી રહ્યા છીએ ત્યારે આનંદ અને ઉત્સાહની લાગણી સાથે અવસરને વધાવતા ગર્વની લાગણી થાય છે. દહેગામનો ખારી અને મેશ્વો નદીના મધ્યનો આ ભાગ એવો છે જ્યાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા છે. નદીઓના પાણી સુકાઈ જવાથી તેનો કોઈ લાભ સિંચાઈ માટે મળતો નથી. ત્યારે તાલુકા ની બંને બાજુ પસાર થતી નદીઓ પર આ ચેક ડેમો બનવાથી આ વિસ્તારના ખેડૂતોને પાણીની સમસ્યાથી છુટકારો મળશે. ખારી નદી પર ત્રણ ચેકડેમ અને મેશ્વો નદી પર બે ચેકડેમ બની રહ્યા છે. જેથી આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા લાવવામાં મદદ થશે અને ખેતીમાં સમૃદ્ધિ વધશે. પ્રધાનમંત્રી એ જણાવ્યા અનુસાર ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ કરવાની તેમની નેમના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતો અને ખેતીમાં સમૃદ્ધિ માટે ઘણી યોજનાઓની જોગવાઈ કરાઈ છે. સંપૂર્ણ ગુજરાતમાં સિંચાઈની જોગવાઈ વધુ સુદ્રઢ બને તે રીતે દીર્ઘદ્રષ્ટિથી કામગીરી થઈ રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા મંત્રીએ જણાવ્યુ હતુ કે ખારી નદી પર સિરીઝ ઓફ ચેકડેમ બનાવવાના આયોજન અન્વયે મગોડી ખાતે ચેકડેમ બાંધવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે ધારીસણા, નાના જાલુન્દ્રા અને કંથારપુર એમ ત્રણ ગામ પાસે ચેકડેમનું આજે ખાતમૂહુર્ત થઈ રહ્યુ છે. આ ચેક ડેમો બનવાથી અંદાજે ૧૧.૦૬ એમ.સી.એફ.ટી પાણી સંગ્રહ શક્તિ માં વધારો થશે. જેના થકી આસપાસના ૧૭ ગામોમાં ૮૯ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. મગોડી ચેકડેમ બનવાથી આસપાસના ચાર ગામો મગોડી, વડોદરા ડભોડા, ઇસનપુર મોટાને સિંચાઈ નો લાભ થશે. ધારીસણા ચેકડેમથી ધારીસણા ,આંગજીના મુવાડા, હાલિશા અને પાટનાકુવા ને સિંચાઈનો લાભ થશે. નાના જાલુન્દ્રા ચેકડેમ થી નાના જાલુન્દ્રા, બિલામણા, ધનિયોલને સિંચાઈ નો લાભ મળશે. કંથારપુર ચેકડેમ બનવાથી કંથારપુર, મુંધાસણા ,ઉદણ, વાસણા ચૌધરી, ચેખલાપગી અને બાબરા ગામને સિંચાઈનો લાભ મળશે.