જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓને લઈ શિક્ષકો સહિત અન્ય વિભાગના કર્મીઓ 23મીએ કરશે ધરણાં
જૂની પેન્શન યોજના સહિતની વિવિધ પડતર માગણીઓને લઈ શિક્ષકો સહિત અન્ય કેટલાક વિભાગના કર્મચારીઓ ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કરાયેલ એલાન મુજબ આજે 14મી ફેબ્રુઆરીના રોજ રાજ્યની શાળાઓના શિક્ષકોએ હાથપર કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો, જે આવતીકાલે પણ યથાવ્ત રહેશે. 16મી ફેબ્રુઆરીએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવશે અને 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ છે. કર્મચારી મોરચા દ્વારા કરાયેલ જાહેરાત મુજબ, રાજ્યમાં બધા જ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા, રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પુરા પગારમાં ભરતી કરવા સહિત વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે અનેક વખત રજૂઆતો કરાઈ હતી. એ અન્વયે ગત તા.16 સપ્ટેમ્બર-2022ના રોજ પાંચ મંત્રીઓની કમિટી સાથે બેઠક કરાઈ હતી. જે બેઠકમાં કેટલાક પ્રશ્નો ઉકેલાયા હતા. પરંતુ સરકાર દ્વારા આ બેઠકમાં કેટલાક પ્રશ્નો અંગે આશ્વાસન આપ્યું હતુ જે હજુ પૂરું કરાયું નથી. જેને લઈ ફરી આંદોલનનો માર્ગ અપનાવાયો હોવાની જાહેરાત કરાવામાં આવી.