અમરેલી-કૃષ્ણનગરની એસ.ટી.બસ અમદાવાદથી ચોરાઈ, અધિકારીઓમાં દોડધામ
રાજયમાં ઘણીવાર તસ્કરો ઘરફોડ કે ચીલઝડપ કરતા હોવાના બનાવો છાશવારે સમાચાર પત્રોમાં વાંચતા હોઈએ છીએ પરંતુ જયારે કોઈ ઈસમ આખેઆખી એસ.ટી.બસ ચોરીને લઈ જાય તેવી ઘટનાએ સમગ્ર રાજયમાં ચકચાર મચાવી હતી. જો કે આ ઘટનાને કારણે અમરેલી એસ.ટી.વિભાગની બેદરકારી પણ સામે આવી છે. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ અમરેલી ડેપોની અમરેલી-કૃષ્ણનગર બસ કૃષ્ણનગર જવા માટે ઉપડી હતી. કૃષ્ણનગર બસ પહોચ્યા બાદ કૃષ્ણનગરના ડેપોમાં ડ્રાઈવરે બસ રાખી હતી ત્યારે આ બસને તુષાર ભટ્ટ નામના ઈસમે અમરેલી-કૃષ્ણનગર બસ બેરોકટોક વગર ઉપાડી લીધી હતી. આ બસને ઉપાડવાથી લઈ છેક ૩પ કિ.મી. સુધી આ બસ અમદાવાદ શહેરને ચીરી હંકારી ગયો હતો. તુષાર ભટ્ટ નામનો ઈસમ બસ હંકારી લઈ જતો હતો ત્યારે રાહદારીઓના જીવ પડીકે બંધાયા હતા. જોકે આ બસ શહેરથી ૩પ કિ.મી. દૂર કનીપુર ગામ સુધી હંકારી ગયો હતો. બસ કૃષ્ણનગર ડેપોમાંથી હંકારી જતા કર્મચારીઓ પણ હાંફળા-ફાંફળા બની ગયા હતા. આ અંગે એસ.ટી.ના કર્મચારીએ તાત્કાલિક પોતાના અમરેલી વિભાગના એસ.ટી.ના વડાને વાત કરી સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યા હતા. જેથી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક પીધેલા ડ્રાઈવરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ, એક ઈસમે આખેઆખી બસ ઉપાડીને લઈ જતા એસ.ટી.અધિકારીઓને પડકાર ફેંકયો હતો. આ ઘટનાએ સમગ્ર રાજયમાં ચકચાર મચાવી દીધી છે.
અમરેલી-કૃષ્ણનગર બસના ડ્રાઈવર જગુભાઈ ધાધલ રહે. વરસડાવાળાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, બસ નં.જી.જે.૧૮-ઝેડ-૭પ૬૮ બસ લઈને અમરેલીથી કૃષ્ણનગર આવવા માટે નીકળ્યા હતા અને આ બસ કૃષ્ણનગર રાત્રિના ૧૦ કલાકે પહોંચી હતી. બસના ડેસ્ક બોર્ડ પર બસની ચાવી રાખી બસ યોગ્ય જગ્યાએ પાર્ક કરી રેસ્ટરૂમમાં સુવા માટે ગયા હતા. વહેલી સવારે પઃ૩૦ કલાકે બસ લેવા માટે આવતા જ બસ પાર્ક કરેલી જગ્યાએ દેખાઈ નહોતી જેથી આજુબાજુમાં કંડકટરને સાથે રાખી બસની તપાસ કરેલ હતી જો કે બસ કયાંય મળી આવી નહોતી જેથી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.
કૃષ્ણનગર ડેપોમાંથી બસ હંકારી જનાર તુષાર ભટ્ટ નામનો ઈસમ બસ હંકારી છેક કનીપુર ગામ સુધી લઈ ગયો હતો. બસની હાલત જોતા બસનો અકસ્માત સર્જાયો હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે બસ સલામત રીતે મળી જતા એસ.ટી.અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને નરોડા પોલીસની કામગીરીને વખાણી હતી.
અમરેલી ડેપોની એસ.ટી.બસ રાત્રીના ૧૦ કલાકે કૃષ્ણનગર પહોંચી હતી જો કે રાત્રિના પાર્ક કરેલી બસ સવારના ડ્રાઈવર અને કંડકટર બસ લેવા માટે ગયા ત્યારે સ્થળ પર મળી આવેલ નહોતી જેથી ફરજ પરના કંડકટરે આ બાબતે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ડ્રાઈવરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.
નરોડા પોલીસના અધિકારીઓએ જણાવ્યુ હતું કે જેવી નરોડા પોલીસને ફરિયાદ મળી એટલે તરત શહેરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને બાતમીદારોની માહિતી આધારે છેક નરોડાથી ૩પ કિ.મી. દૂર કનીપુર ગામ પાસેથી ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો અને દહેગામ પોલીસની હદમાં કનીપુર આવતુ હોવાથી ત્યાં નોંધ કરાવી ચાલકને પૂછપરછ માટે નરોડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો જયાં કયા કારણોસર બસને ઉપાડી ગયો તે તમામ વિગતો ઓકાવવામાં આવશે. આમ, નરોડા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.