અમદાવાદમાં પાનની પિચકારી મારી ગંદકી ફેલાવનારા વધુ 104 લોકો દંડાયા
શહેરના જાહેર રોડ પર પાન કે મસાલાની પિચકારી મારીને અથવા થુંકીને ગંદકી ફેલાવનારાઓ માટે છેલ્લા કેટલાય દિવસથી મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત શનિવારે જાહેરમાં પાન-મસાલા ખાઈને પિચકારી મારનારા વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝૂંબેશના ભાગરૂપે 104 લોકો પાસેથી 10,950 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અને આગામી દિવસોમાં હજુ પણ આ ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે. એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે ટ્રાફિક જંક્શન અને BRTS કોરીડોરની ગ્રીલ્સ અને ડિવાઈડરોની નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે છે. જો કે ટૂંકાગાળામાં પગપાળા જતા રાહદારીઓ તેમજ વાહન પર જતાં લોકો પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી ફેલાવતા હોય છે. જેને અટકાવવા માટે આ રીતે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી કરતાં ઇસમો સામે મ્યુનિના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવાની ઝૂંબેશ છેલ્લા 23માં દિવસે શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકિંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે શહેરના 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરીકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી. પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 104 ઇસમો પાસેથી રૂપિયા 10950/- નો દંડ વસુલવામાં આવ્યો હતો.