ફ્રાન્સ બંધારણમાં ગર્ભપાતનો સમાવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો
ફ્રેન્ચની સંસદમાં સંયુક્ત સત્ર દરમિયાન સાંસદોએ બંધારણમાં મહિલાઓના ગર્ભપાતના અધિકાર બિલને મંજૂરી આપી હતી. આ રીતે ફ્રાન્સ તેના બંધારણમાં ગર્ભપાતનો સમાવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. બિલને 780-82 મતોથી મંજૂર કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના બંધારણમાં આ 25મો સુધારો છે. સૌથી મહત્વની વાત એ છે કે દેશના બંધારણમાં 2008 પછી આ પહેલો સુધારો છે. ફ્રાન્સમાં છેલ્લા ઘણા દિવસોથી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી. આ અંગે ઘણા સરવે પણ કરવામાં આવ્યા હતા, જેમાં 85 ટકા લોકોએ આનું સમર્થન આપ્યું હતું. ગર્ભપાત સંબંધિત બિલને સંસદની મંજૂરી મળ્યા બાદ સમગ્ર ફ્રાન્સમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલા અધિકાર કાર્યકરોએ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના વચનની પ્રશંસા કરી હતી. બિલને કાનૂની સ્વરૂપ આપવા માટે ફ્રેન્ચ બંધારણની કલમ 34માં સુધારો કરવામાં આવ્યો છે. આ બિલને સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યું હતું.