દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે 13 શહેરમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયું હતું. વધતી જતી ગરમી વચ્ચે હવે આવતીકાલે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન અમરેલીમાં 40.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે રાજકોટમાં 40.1 ડિગ્રી સાથે સતત બીજા દિવસે પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આજે અમદાવાદમાં 37.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગના મતે આગામી 27 માર્ચ સુધી અમદાવાદનું તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 27 માર્ચ બાદ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે.