સાદરા ગામ વિવિધ સુવિધાઓથી સજ્જ હોવા છતાં સરકારી બસ સેવાથી વંચિત, બસ શરૂ કરવા લોકોની માંગ
ગાંધીનગર જિલ્લાનું સાદરા ગામ મોટાભાગની સુવિધાઓ ધરાવે છે પરંતુ એસટી બસની સેવા મળતી ન હોવાથી ગામની મુલાકાતે આવતા લોકો અને વિદ્યાર્થીઓને બહાર ગામ આવવા-જવામાં ભારે પરેશાની ભોગવવી પડે છે. જો સવાર, બપોર અને સાંજ બસ સેવા નિયમિત ચલાવવામાં આવે તો પૂરતો ટ્રાફિક અને એસટી તંત્રને સારી આવક પણ મળી શકે તેમ છે. સાદરા ગ્રામના ગ્રામજનોએ આ મામલે અનેક વાર એસટી તંત્રને રજૂઆત કરી છે પણ તંત્ર કુંભકર્ણની નીન્દ્રામાં હોય એમ લોકોની પરેશાની સાંભળી રહ્યું નથી. સાદરા ગામ સારી સુવિધાઓ ધરાવે છે. અહી જક્ષણી માતાજી મંદિર, ગુજરાત વિધ્યાપીઠ, ઐતિહાસિક કિલ્લો, લાઈબ્રેરી, વૃદ્ધાશ્રમ, ગ્રામીણ બેંક, દૂધની ડેરી, બોર-કુવા સાથે પીવાના પાણીની વ્યવસ્થા છે. સારા રસ્તાઓ છે. નિયમિત સફાઈ થતી રહે છે. મોટા ભાગના લોકો બહાર નોકરી માટે બહાર ગામ જતાં હોય છે અને આ વિવિધ સુવિધાઓથી સજ્જ ગામની મુલાકાતે અવાર નવાર બહારથી લોકો મુલાકાતે આવતા હોય છે પણ એસટી બસની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જક્ષણી માતાજી મંદિર, વિધ્યાપીઠ, તાલીમ કેન્દ્ર સહિતની મુલાકાતે આવતા લોકો અને વિધ્યાર્થીઓને સરકારી બસની વ્યવસ્થા ન હોવાને કારણે સમય અને નાના બંનેનો વ્યય થતો હોય છે. ગામમાં મોટાભાગની સુવિધાઓ હોવા છતાં પરિવહન સેવાથી ગામના લોકો દુઃખી છે તેમ ગામના વડીલે જણાવ્યુ હતું. એસટી તંત્ર દ્વારા વહેલી તકે સાદરા ગામમાં બસ સુવિધા શરૂ કરીને લોકોની સુવિધામાં વધારો કરવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી છે.