T20 ક્રિકેટમાં વિકેટકીપિંગમાં 300 બેટરોને આઉટ કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો ધોની
IPL 2024માં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ જોઇને ચેન્નઈના ફેન્સ ખૂબ ખુશ થયા હતા કારણ કે આ મેચમાં ચાહકોને CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી. ધોનીએ પ્રથમ બે મેચમાં માત્ર વિકેટકીપિંગ જ કરી હતી. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં માહીની બેટિંગ પણ જોવા મળી હતી. બેટિંગમાં ધોનીએ 16 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા. પરંતુ તે પહેલા તેણે વિકેટકીપિંગમાં ખાસ ત્રેવડી સદી પૂરી કરી અને આ આંકડાને સ્પર્શનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો હતો.ધોનીએ T20 ક્રિકેટમાં વિકેટકીપિંગ કરતા 300 બેટરોને પોતાનો શિકાર બનાવ્યો હતો. ધોનીએ T20ની 367 ઇનિંગ્સમાં વિકેટકીપર તરીકે 300 બેટરોને આઉટ કર્યા હતા. ધોની 300નો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે. પાકિસ્તાનનો પૂર્વ વિકેટકીપર કામરાન અકમલ આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે 281 ઇનિંગ્સમાં 274 બેટરોને આઉટ કર્યા હતા.