અમદાવાદમાં લોકોનો સમય અને પેટ્રોલ બચાવવા 100 સિગ્નલ પર ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે
અમદાવાદીઓને ખુશી મળે તેવા સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, ટ્રાફિક સિગ્નલ પર થતો તમારો ટાઈમ વેસ્ટ હવે ઓછો થશે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક એવી સિસ્ટમ લાવી રહ્યું છે કે જેનાથી લોકોનો સમય અને સાથે જ પેટ્રોલ પણ બચશે. કોર્પોરેશન ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવી રહ્યું છે. જે સિસ્ટમની મદદથી લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. અમદાવાદ શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર આ સિસ્ટમ લગાવાશે. જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. આ સિસ્ટમ કોર્પોરેશન આગામી સમયમાં લાવવા જઈ રહ્યું છે.
જેના કારણે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવુ નહી પડે. એટલે કે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો દોઢ મિનિટ સમય હોય અને ત્યાથી 60 સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય, તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે. જેથી સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે. એટલે કે વાહન ચાલકોનો સમય બચશે. પેટ્રોલ પણ બચશે અને ગરમી વચ્ચે કે કોઈ પણ સમયે વધુ સમય વાહનચાલકોએ ઉભા રહેવુ નહી પડે. અમદાવાદ શહેરનો વિસ્તાર અને વસ્તી બને સતત વધી રહ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ દિવસેને દિવસે જટિલ બનતી જઈ રહી છે. તેવામાં આ સિસ્ટમ લોકોને મદદરૂપ બની રહેશે, કોર્પોરેશનના ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે,
જેના ભાગ રૂપે શહેરમાં 30 ટ્રાફિક જંકશનના સર્વે અને ડિઝાઈન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. તેમજ 19 જંકશનની ડિઝાઈન તૈયાર પણ થઈ ગઈ છે. અને તેમા પણ 9 જંકશન પર ડિમાર્કેશનની કામગીરી થઈ ગઈ છે. તો આ સાથે જ આર્ટિફીસલ ઈન્ટેલિજન્ટ સિસ્ટમની મદદથી લોકોને ગંદકી કરવા, ટ્રાફિક સિગ્નલ ભંગ કરવા. જેવા અનેક કારણોસર દંડ કરવામાં આવશે. ત્યારે તે સિસ્ટમ સાથે આ સિસ્ટમ આવવાને લઈને લોકો પણ આ નવી સિસ્ટમને આવકારી રહ્યા છે.