બારમાસી ખરીદી નીકળતા જ સિંગતેલ-કપાસિયા તેલ તથા ચોખાના ભાવમાં તોતિંગ વધારો
બારમાસી ખરીદી નીકળતા જ સિંગતેલ અને કપાસિયા તેલના તથા ચોખાના ભાવમાં તોતિંગ વધારો જિંકાયો છે. આજે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 60 અને 50 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત ચોખાના ભાવમાં પણ વધારો થવા માંડયો છે અને આજે જુદી-જુદી જાતના ચોખાના ભાવમાં મણે 150 રૂપિયાનો વધારો થયો હતો. સ્થાનિક બજારમાં બુધવારના સિંગતેલ ડબ્બાનો ભાવ બંધ બજારે 2640 રૂપિયા હતો જે ગઈકાલે સવારે બજાર ખુલતાની સાથે જ 2700 રૂપિયાને આંબી ગયો હતો અને બજાર બંધ થઈ ત્યાં સુધી આ ભાવ રહ્યો હતો.જ્યારે કપાસિયા તેલનો ભાવ બુધવારના 1630 હતો તે વધીને બજાર બંધ થઈ ત્યારે 1680 થઈ ગયો હતો. માત્રને બારમાસી ખરીદી નીકળવાના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારી સુત્રો જણાવી રહ્યા છે.અત્યાર સુધી ભાવવધારાથી દૂર રહેલ ચોખાના ભાવમાં પણ જુદી-જુદી જાતોમાં મણે 150 રૂપિયાનો વધારો થાયે છે. જો કે ચોખામાં કયાં કારણોસર ભાવમાં વધારો શરૂ થયો છે તેનું કોઈ ચોકકસ કારણ જાણવા મળ્યું નથી.