ગુજરાત રાજ્યસભા ચૂંટણીનો મામલો પહોંચ્યો સુપ્રીમકોર્ટ : ચૂંટણી પંચના અલગ અલગ પેટાચૂંટણીના નિર્ણયને પડકાર્યો, વિપક્ષનેતા પરેશ ધાનાણીએ સુપ્રીમમાં કરી અરજી
નવી દિલ્હી :
ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણીનો મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે બે બેઠકોની અલગ અલગ પેટા ચૂંટણી કરવાના ચૂંટણી પંચના નિર્ણયને કોંગ્રેસે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વકીલ મારફત સુપ્રીમકોર્ટમાં અરજી કરીને રાજ્યની રાજ્યસભાની બંને બેઠક પર એકસાથે ચૂંટણી કરાવવા ચૂંટણી પંચને નિર્દેશ આપવા દાદ માંગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાતા ગુજરાત રાજ્યસભાની બે સીટ ખાલી પડી છે અમિતભાઇ શાહ અને સ્મૃતિ ઈરાની ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતા. તેઓએ રાજીનામુ આપતા બે બેઠકો ખાલી પડી છે. જેની પેટા ચૂંટણી આગામી 5 મી જુલાઈએ યોજાનાર છે કોંગ્રેસે વકીલ વરુણ ચોપડા મારફતે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે ચૂંટણી પંચ દ્વારા 15 જૂને બહાર પડાયેલી યાદી મુજબ 5 મી જુલાઈએ બંને બેઠકનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે ધાનાણીએ પંચના આદેશને રદ કરવા તથા તેને ગેરબંધારણીય, ગેરકાયદેસર અને શૂન્ય જાહેર કરવાનો અનુરોધ કર્યો છે. ધાનાણીનું કહેવું છે કે, આ બંધારણની કલમ 14 નું ઉલ્લંઘન છે. તેમણે માગ કરી છે કે, પંચને ગુજરાત સહિત બધા રાજ્યોની ખાલી બેઠકો ભરવા માટે પેટાચૂંટણી અને ચૂંટણી સાથે-સાથે કરાવવાનો નિર્દેશ આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની બે બેઠકો પર જો એક સાથે એક જ બેલેટ પર ચૂંટણી થાય તો કોંગ્રેસને તેના પર જીત મળી શકે છે ધારાસભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ જો ચૂંટણી અલગ-અલગ બેલેટ પર થશે તો જીત ભાજપની જ થશે. સંખ્યા બળની દ્રષ્ટિએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 મત જોઈએ. એક જ બેલેટ પર ચૂંટણીથી ઉમેદવાર એક જ વોટ આપી શકશે. આ સ્થિતિમાં કોંગ્રેસ એક બેઠક સરળતાથી જીતી શકી હોય, કેમ કે તેની પાસે 71 ધારાસભ્યો છે. જોકે, ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ, ધારાસભ્ય અલગ-અલગ વોટ કરશે. એવામાં તેમને બે વખત મત આપવાની તક મળશે. આ રીતે ભાજપના ધારાસભ્ય જેની સંખ્યા 100 થી વધુ છે, તે બે વખત મત કરી બંને ઉમેદવારોને જીતાડી શકે છે.