Uncategorizedગુજરાત

ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ બોલ્યા ધાનાણી, કહ્યું “આધુનિક અંગ્રેજોની ગુલામીમાંથી પ્રજાને બચાવવા આવ્યો છું”

લોકસભાની રાજકોટની બેઠક પર આજે ભાજપની માફક કોંગ્રેસના આયાતી ઉમેદવાર પરેશ ધાનાણીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ બહુમાળી ભવન ચોકમાં જંગી જાહેર સભા (જન સ્વાભિમાન સંમેલન)માં કાવ્યાત્મક શૈલીમાં વકતવ્ય આપીને ઉપસ્થિત મહાનુભાવો અને મેદનીનાં દિલ જીતી લીધા હતાં.સભામાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આધુનિક અંગ્રેજોની ગુલામીમાંથી પ્રજાને બચાવવા આવ્યો છું.જંગી જાહેરસભામાં ઉપસ્થિત પ્રદેશ કોંગેસના અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર સહિતનાં નેતાઓએ ભાજપની નીતિ, રીતિ, શાશન બાબતે રોષ ઠાલવી કોંગ્રેસને મજબુત બનાવવાની હાકલ કરી હતી. શકિતસિંહ ગોહિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીએ અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડીને માત્ર અણવર બની ઉમેદવારને મદદ કરવાની અગાઉ સ્પષ્ટ વાત કરી હતી. પણ બહેનો દુ:ખી થતી હોય, જવતલીયાભાઇ તરીકે રાજકોટની બહેનોએ સ્વિકારી ચૂંટણી લડવા બોલાવ્યા એટલે પરેશ ધાનાણી રાજકોટનાં રણમેદાનમાં ઉતર્યા હોવાનું જણાવ્યું હતું.

તેમણે આક્રોશભેર કહ્યુ કે નકામો કાર્યક્રમ કહીને દલિત સમાજનું અને રોટી-બેટી વ્યવહાર જેવા શબ્દો ઉચ્ચારી ક્ષત્રિય સમાજનું અપમાન હોવા છતા વર્તમાન સરકારના પેટનું પાણી ન હલે અને યોગ્ય નિરાકરણને બદલે એલફેલ બોલનારને પ્રોત્સાહન અપાય ત્યારે અહંકારી સરકાર સામે સ્વાભિમાનની લડાઇ લડવા મેદાનમાં ઉતર્યા હોય, પ્રજા કોંગ્રેસને મજબૂત કરે તેવી શકિતસિંહ ગોહિલે ઉપસ્થિત જનમેદનીને હાકલ કરી હતી.સિધ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર અને ઇસુદાન ગઢવી સહિતનાં ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓએ વર્તમાન સરકારની તાનાશાહીનો વિરોધ કરી, હજુ પણ જાગવાની જરૂર હોવા પર ભાર મૂકી રાજકોટનાં ઉમેદવાર પરેશ ધાનાણીને ચૂંટી કાઢવાની વાત દોહરાવી હતી. સ્વાભિમાન જન સંમેલનમાં પોતાના કાવ્યાત્મક અંદાજમાં પરેશ ધાનાણીએ વકતવ્ય શરૂ કરતાં ઉપસ્થિત જનમેદનીએ તાલીઓના ગડગડાટથી પરેશભાઇને વઘાવી લીધા હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x