રાષ્ટ્રીય

શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને મોટો ઝટકો, હાઈકોર્ટે 23,000 શિક્ષકોની ભરતી રદ કરી

લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને શિક્ષક ભરતી કૌભાંડમાં મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, કલકત્તા હાઈકોર્ટે સમગ્ર પેનલને અમાન્ય કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકની ભરતીને રદ કરી દીધી છે, જેના પછી 23000 શિક્ષકોએ તેમની નોકરી ગુમાવવી પડશે.

કલકત્તા હાઈકોર્ટે 2016ની આખી જોબ પેનલને રદ કરી દીધી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે ધોરણ 9 થી 12 અને જૂથ C અને D સુધીની તમામ નિમણૂંકો રદ કરી હતી જેમાં ગેરરીતિઓ જોવા મળી હતી. આ સાથે લગભગ 23 હજાર નોકરીઓ રદ કરવામાં આવી છે. આ ભરતીમાં પેનલ પર અંદાજે 5 થી 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.
આ ઉપરાંત કોર્ટે શિક્ષકોને આપેલો પગાર પણ પરત કરવાનો આદેશ કર્યો છે. આ લોકોને ચાર અઠવાડિયામાં 12 ટકા વ્યાજ સાથે તેમનો આખો પગાર પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે કોર્ટે જિલ્લા અધિકારીઓને પૈસા વસૂલવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો છે. હાઈકોર્ટે શાળા સેવા આયોગને ફરીથી નવી નિમણૂંકો શરૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.
આ મામલામાં TMCના ઘણા ધારાસભ્યો અને નેતાઓ અને શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તત્કાલિન શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીની પણ ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન પાર્થ ચેટર્જીના સહયોગીઓ પાસેથી કરોડો રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, આ કૌભાંડ વર્ષ 2014નું છે. તે સમયે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી હતી. જેની પ્રક્રિયા વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં કૌભાંડની અનેક ફરિયાદો બહાર આવી હતી. જેમાં મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારોના માર્ક્સ ઓછા હતા તે ટોપ પર હોવાનું જણાવ્યું હતું. આ સાથે એવો પણ આક્ષેપ થયો હતો કે જે, લોકોના નામ મેરિટ લિસ્ટમાં નહોતા તેમને નોકરી આપવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x