મલેશિયામાં હેલિકોપ્ટરની હવામાં થઈ ટક્કર, 10 ક્રૂ મેમ્બરના થયા મોત
મલેશિયામાં રોયલ મલેશિયન નૌકાદળના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં જ ટક્કર થતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં દસ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ રિહર્સલ લુમુતના રોયલ મલેશિયન નૌકાદળ સ્ટેડિયમ માં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે ક્રેશ થતાં જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થઈને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું.
તમામ મૃતકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતાનૌકાદળે આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. આ ઘટના સ્થાનિક સમય અનુસાર આજે સવારે 9.32 વાગ્યે બની હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મલેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જો કે આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.