દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો પોતાની સેવાનો વિસ્તાર વધારવા નવા 100 પ્લેન ખરીદશે
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ એક નવો પ્લાન બનાવ્યો છે, જે ટાટા ગ્રુપની એર ઈન્ડિયા માટે ભારે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ માટે કંપની 100 જેટલા નવા પ્લેન ખરીદવા જઈ રહી છે. શું છે આ પ્લાન અને તેનાથી એર ઈન્ડિયાને કેવી મુશ્કેલી થશેઈન્ડિગો દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે, જે તેને આજે દેશની સૌથી મોટી એરલાઈન બનાવે છે. હવે કંપનીએ આંતરરાષ્ટ્રીય રૂટ પર પણ તેની સેવાનો વિસ્તાર કરવાની યોજના બનાવી છે. તેમનું આ આયોજન ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આ પ્લાનને લાગુ કરવા માટે ઈન્ડિગો આગામી દિવસોમાં 100 નવા પ્લેન પણ ખરીદવા જઈ રહી છે.ઈન્ડિગોએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે 30 વાઈડ-બોડી એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જે ભવિષ્યમાં 100 સુધી જઈ શકે છે. આ એરક્રાફ્ટ એરબસના A350-900 પ્લેન હશે. વાઈડ બોડી એરક્રાફ્ટનો ઉપયોગ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય રૂટ પર સેવા આપવા માટે થાય છે. આ વિમાનોમાં સીટો વચ્ચે 2 ગેલેરી હોય છે. જ્યારે ડોમેસ્ટિક રૂટ પર, નેરો બોડી એરક્રાફ્ટ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે, જેમાં સીટો વચ્ચે માત્ર એક ગેલેરી હોય છે.ઈન્ડિગોએ એરબસને 30 એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આમાં તેને વધુ 70 એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ પણ મળ્યો છે. હાલમાં ઈન્ડિગો પાસે લગભગ 350 નેરો બોડી એરક્રાફ્ટ છે અને કંપની હાલમાં આ એરક્રાફ્ટ વડે તેની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ કરી રહી છે. હાલમાં કંપનીએ તુર્કી એરલાઈન્સ પાસેથી વિશાળ કદના બે એરક્રાફ્ટ લીઝ પર લીધા છે. આ સાથે કંપની દિલ્હી અને મુંબઈથી ઈસ્તાંબુલ માટે તેની ફ્લાઈટ્સનું મેનેજમેન્ટ કરે છે.