28.2 કરોડ લોકો ભોજન માટે મારી રહ્યાં છે વલખાં : યુએન રિપોર્ટ
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં 59 દેશોના લગભગ 28.2 કરોડ લોકો ભૂખથી પીડાવા માટે મજબૂર બન્યા હતા. સંયુક્ત રાષ્ટ્રે બુધવારે વૈશ્વિક અન્ન પરિસ્થિતિ અંગે ‘ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ’માં આ માહિતી આપી હતી.
આ રિપોર્ટ અનુસાર યુદ્ધગ્રસ્ત ગાઝામાં મોટાભાગના લોકોએ ખોરાકની ગંભીર અછતનો સામનો કરવો પડ્યો હતો. 2022માં 2.4 કરોડથી વધુ લોકોને ખોરાકની ગંભીર અછતનો સામનો કરવો પડ્યો હતો. જે પાછળનું કારણ ગાઝા પટ્ટી અને સુદાનમાં ખાદ્ય સુરક્ષાની કથળતી સ્થિતિ હતી.
યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભૂખમરોનું એક પ્રમાણ નક્કી કર્યું છે, જેમાં પાંચ દેશોમાં 7,05,000 લોકો પાંચમા તબક્કામાં છે, જેને ઉચ્ચ સ્તર માનવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2016માં વૈશ્વિક અહેવાલની શરૂઆતથી અત્યાર સુધીમાં ભૂખમરાથી પીડિત લોકોની આ સૌથી વધુ સંખ્યા છે.
અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યો છે કે ગાઝામાં લગભગ 11 લાખ લોકો અને દક્ષિણ સુદાનમાં 79 હજાર લોકો જુલાઈ સુધીમાં પાંચ તબક્કામાં પહોંચી શકે છે અને ભયંકર ખોરાકની અછતનો સામનો કરી શકે છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, સંઘર્ષને કારણે હૈતીમાં ખાદ્ય અસુરક્ષા વધશે.