કેનેડાની પાકિસ્તાન જેવી હરકતો, ભારતવિરોધી 17 આતંકી-ગેંગસ્ટર્સને છાવરે છે, NIAની યાદી જાહેર
કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓને કશું કરતું નથી કેમ કે કેનેડામાં શીખ સમુદાય મોટો અને વગદાર છે. આ ગેંગસ્ટર્સ કમ ટેરરિસ્ટનો સીખ સમુદાય પર વ્યાપક પ્રભાવ છે તેથી ચૂંટણીઓમાં સીખોના મત અપાવવામાં મદદરૂપ થાય છે. તેના બદલામાં રાજકારણીઓ તેમને છાવરે છે. આ કારણે જ પંજાબના અપરાધીઓ ધોંસ વધતાં જ કેનેડા ભાગી જાય છે. કેનેડામાં જતાં જ ખાલિસ્તાનવાદીઓ તેમને પોતાના નેટવર્કમાં સામેલ કરી લે છે.
ખાલિસ્તાનવાદી આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બદલ પકડાયેલા ત્રણ ભારતીય યુવકો ભારતીય એજન્સીના એજન્ટ હોવાના દાવા કેનેડાની એજન્સીઓ કરી રહી છે. કેનેડાની એજન્સીઓ આડકતરી રીતે નિજ્જરની હત્યા ભારતે કરાવી હોવાનું સાબિત કરવા માગે છે તેથી આ બધા ઉધામા કરી રહી છે. વાસ્તવમાં કેનેડાને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે. કેનેડાએ ખાલિસ્તાનવાદી આતંકવાદીઓ કમ ગેંગસ્ટર્સને માત્ર આશરો જ નથી આપ્યો પણ પોષ્યા પણ છે. આ આતંકવાદીઓ કમ ગેંગસ્ટર્સ વચ્ચે વર્ચસ્વની લડાઈ માટે જંગ ચાલ્યા કરે છે તેમાં નિજ્જર અને સુખા દુન્નાન્કે એ બે ગેંગસ્ટર્સ ઢબી ગયા છે.ભારતીય એજન્સીઓએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અને ગેંગસ્ટર્સની એક યાદી તૈયાર કરી છે. આ યાદીમાં 17 ટોચના ટેરરિસ્ટ કે પછી ગેંગસ્ટર્સ એવા છે કે જે કેનેડામાં રહે છે અથવા કેનેડા સાથે સંકળાયેલા છે. મતલબ કે, અમેરિકા કે યુરોપના કોઈ દેશમાં રહે છે પણ કેનેડા આવતા-જતા રહે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વ્યક્તિગત રીતે આતંકવાદી જાહર કરાયેલા આ અપરાધીઓ કેનેડામાં બેઠાં બેઠાં પંજાબ અને આસપાસનાં રાજ્યોમાં ગેંગ્સ ચલાવે છે, ખંડણી ઉધરાવે છે, હત્યાઓ કરાવે છે ને બીજી પણ આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. અત્યાર લગી આ ગેંગસ્ટર્સ કેનેડામાં અપરાધ નહોતા કરતા એવું મનાતું પણ પણ નિજ્જરની હત્યાએ આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. નિજ્જરની હત્યામાં ગોલ્ડી બ્રારનો હાથ હોવાનું કહેવાય છે. ગોલ્ડી બ્રાર અમેરિકામાં રહેતો હોવાનું કહેવાય છે પણ તેનો સાથી અર્શ દલ્લા કેનેડામાં જ રહે છે. અર્શ દલ્લા અને નિજ્જર એકબીજાની નજીક હોવાનું મનાતું હતું પણ નિજ્જરની હત્યામાં પકડાયેલા લોકોના ગોલ્ડી બ્રાર સાથેના કનેક્શને આ વાત ખોટી સાબિત કરી છે. સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારના ભારતની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સંબંધ છે. બિશ્નોઈ ઉત્તર ભારતમાં સૌથી મોટી ગેંગ ચલાવે છે. ગોલ્ડી બ્રાર સિવાય કેનેડામાં રહેતા ભારત માટે મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ-ગેંગસ્ટર્સમાં અર્શ દલ્લા, લખબિરસિંહ ઉર્ફે લાંડા. હરપ્પિત ઉપ્પલ જેવા કુખ્યાત લોકો છે. અર્શ દલ્લા ખાલિસ્તાની આતંકવાદીઓનો ગોડફાધર મનાય છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો લખબીરસિંહ લાંડા પંજાબના તરણ તરણનો છે અને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. ગયા વરસે ભારત લવાયેલો સુખપ્રીતસિંહ બુડ્ડા પણ કેનેડામાં રહીને ખાલિસ્તાની ટેરર મોડયુલ ચલાવતો હતો. હરપ્રીત ઉપ્પલ લો પ્રોફાઈલ રહીને કામ કરે છે પણ ડ્રગ્સનો મોટો ડીલર છે.