શાહે 4 દિવસમાં રૂપાણીનો દોઢ વર્ષ માટે રસ્તો તૈયાર કર્યો, બેનના સમર્થક કાપી નખાયા
ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહે ગુજરાતમાં 4 દિવસ રોકાઈને એક વાત સુનીશ્ચિત કરી છે. શાહે આગામી દોઢ વર્ષ માટે રુપાણી સુખરુપ શાસન કરી શકે તે માટેનો સુંવાળો રસ્તો તૈયાર કરી દીધો છે. બેનના વિશ્વાસુ ગણાતા તેમજ તેમના સમર્થક ગણાતા નાનુ વાનાણી સિવાયના તમામ લોકોના પત્તા મંત્રીમંડળમાંથી કાપી નાંખવામાં આવ્યા છે. રુપાણીના મંત્રીમંડળમાં જે નવા સભ્યોનો સમાવેશ કરાયો છે તેમાંથી મોટા ભાગના નવા નિશાળીયા છે.
રુપાણીના મીત્ર ગણાતા જીતુ વાઘાણી, જીતુ સુખડીયાને પણ કેબીનેટમાં સ્થાન નથી
ચીમન સાપરિયા અને વસાવાને બાદ કરતા નવા મંત્રીઓમાંથી કોઈ ને પણ વહિવટનો અનુભવ નથી તેમજ શાહ અને રુપાણીના ચુસ્ત સમર્થકો છે. અમિત શાહે એક બીજી વાતનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે કે સીનીયર મંત્રીઓમાં પણ એવા જ લોકોને સ્થાન આપ્યું છે જે રુપાણીના નેતૃત્વને સરળતાથી સ્વીકારીને કામ કરે. રુપાણીના મીત્ર ગણાતા જીતુ વાઘાણી, જીતુ સુખડીયા જેવા આગેવાનોને પણ રુપાણીની કેબીનેટમાં સ્થાન નથી. એ પાછળનું કારણ ફક્ત એટલું જ કે રુપાણીના કોઈ પણ નિર્ણયમાં વાંધો ઉઠાવે તેવું કોઈ જ ન હોવું હોઈએ.
રુપાણી જે રાજકીય નિર્ણય લેવા ઈચ્છતા હોય તે છુટથી લઈ શકે તેમ છે
મુખ્યમંત્રી સહિતના 25 સભ્યોના મંત્રીમંડળમાં રુપાણીએ 10 નવા ચહેરાઓને તક આપી છે. જેમાંથી સાપરિયાને બાદ કરતા બાકીના બધાં માટે તો આ અચાનક લાગેલી લોટરી સમાન ઘટના છે. આ તમામ લોકો શાહ-રુપાણી અને ભાજપથી ઉપકૃત કરાયા છે. આથી આગામી દોઢ વર્ષમાં રુપાણી જે પણ રાજકીય નિર્ણય લેવા ઈચ્છતા હોય તે છુટથી લઈ શકે તેમ છે.
બેનના બહેન પણ ગયાં!
પડતા મુકવામાં આવેલા મંત્રીઓમાં રાજ્યકક્ષાના મંત્રી વસુબહેન ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે. દેખીતી રીતે જ નવા મંત્રીમંડળમાં આનંદીબહેન પટેલની છાવણીની સ્પષ્ટ બાદબાકી કરવામાં આવી હોવાનું દેખાય છે. સંબંધે આનંદીબહેનના પારિવારિક બહેન વસુબહેન પણ તેમાં આવી ગયા. આમાં નાનુભાઈ વાનાણીની પણ પૂરી શક્યતા હતી. પરંતુ તેમના જ કહેવા મુજબ, રવિવારે સવારે ઠેઠ સવા દસ વાગ્યે તેમને મંત્રીમંડળમાં સમાવાયા હોવાની જાણ કરવામાં આવી હતી. નાનુભાઈ બેનના નજીકના છે.
નીતિન-સૌરભનું ગઠબંધન તોડવા સૌરભની બાદબાકી
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ટીમમાંથી સૌરભ પટેલની બાદબાકી ભાજપના નેતાઓ માટે પણ આશ્ચર્યજનક ઘટના બની રહી છે. શપથવિધિના થોડા કલાકો અગાઉ જ પાર્ટીના ગુજરાત પ્રભારી દ્વારા તેમને મંત્રીમંડળમાં સમાવેશ નહીં કરાયો હોવાની જાણ કરાઇ હતી. વર્ષ 2002થી રાજ્યકક્ષા અને ત્યારબાદ નાણામંત્રી સહિતની મહત્વની જવાબદારી સંભાળનાર હાઇપ્રોફાઇલ સૌરભ પટેલનો છેદ ઉડાડવા પાછળનું સૌથી મહત્વનું કારણ તેમનું નીતિન પટેલ સાથેનું ગઠબંધન હોવાનું મનાય છે.
ભાજપના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ આનંદીબહેન મુખ્યમંત્રી બન્યા ત્યારથી નીતિન પટેલ અને સૌરભ પટેલનું ગઠબંધન ચર્ચામાં આવ્યું હતું. આ મામલે અગાઉ પણ આનંદીબહેને હાઇકમાન્ડને ફરિયાદ કરી હતી. નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ ગઠબંધન નડે નહીં તે માટે નિતિન-સૌરભની જોડી છૂટી પાડવાનો ખેલ અમિત શાહે ઘડ્યો છે.