ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રૂપાણી સરકારનાં શપથ: 8 કેબિનેટ, 16 રાજ્યકક્ષાના મંત્રીઓ ; નવા ચહેરાઓ દેખાયા

ગાંધીનગર : રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ નાયબ-મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત આઠ કેબિનેટ કક્ષાના અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે રાજ્યપાલના હસ્તે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા. આનંદીબહેનના રાજીનામા બાદ તેમની સરકારના નાણાં મંત્રી સૌરભ પટેલ સહિત નવ મંત્રીઓને નવી કેબિનેટમાં પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે વિજય રૂપાણીએ તેમના મંત્રીમંડળમાં અગાઉના બે રાજ્યકક્ષાના મંત્રીઓને બઢતી આપી કેબિનેટ કક્ષાના બનાવ્યા અને કુલ અગિયાર નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં તેમના સહિત 24 મંત્રીઓ હતા. જ્યારે વિજય રૂપાણીના મંત્રીમંડળમાં તેઓ અને એક નાયબ-મુખ્યમંત્રી સહિત 25 મંત્રીઓનો સમાવેશ થયો છે. જેમાં દિલીપ ઠાકોર અને જયેશ રાદડિયાને રાજ્યકક્ષાના મંત્રીમાંથી અપગ્રેડ કરી કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. મંત્રીઓની પસંદગીમાં પણ જાતિગત અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ થયો છે. પરંતુ તેમાં અનુભવનો ભોગ લેવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે.

પાટીદારો અને ઓબીસી 8-8 સમાવાયા

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું અને પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે. આમાં સૌરાષ્ટ્રના 9, ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત અને અમદાવાદના 4-4 મંત્રીઓ છે. જ્યારે પાટીદારો અને ઓબીસી 8-8 સમાવાયા છે. ક્ષત્રિય 3, આદિવાસી 2 અને દલિત-જૈન-સિંધી-બ્રાહ્મણ સમુદાયના 1-1 મંત્રીઓનો સમાવેશ થયો છે. છેલ્લા મંત્રીમંડળમાં આનંદીબહેન પટેલ અને વસુબહેન ત્રિવેદી એમ બે મહિલા સભ્ય હતા. જ્યારે રૂપાણીના મંત્રીમંડળમાં એક જ મહિલા અમદાવાદના નરોડાના ધારાસભ્ય નિર્મલા વાધવાણીને લેવાયા છે.

વિજયભાઇએ નહીં, નીતિનભાઇએ શપથ લીધા

વિજય રૂપાણી વિજય મુહૂર્તમાં 12.39 કલાકે શપથ લેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ, શપથવિધિ સમારોહ બરાબર સાડા બાર કલાકે શરૂ થઇ જતા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ વહેલા શપથ લઇ લીધા હતા, જયારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે વિજય મુહૂર્તમાં શપથ લીધા હતા.

ક્યા ક્યા મહાનુભાવો શપથવિધિમાં હાજર રહ્યા

શપથવિધિમાં આનંદીબહેન પટેલ, લાલકૃષ્ણ અડવાણી, અરુણ જેટલી, રામલાલ, અમિત શાહ ઉપરાંત ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ જેવા કે, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડનવીસ, હરિયાણાના મનોહર લાલ ખટ્ટર, ઝારખંડના રઘુવીર દાસ તથા દિનેશ શર્મા, વી સતીશ, થાવરચંદ ગેહલોત, જસવંતસિંહ ભાભોર, મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા.

નાદુરસ્તીને લીધે સોલંકી માંડ શપથ લઇ શકયા

નાદુરસ્ત તબિયતને કારણે ભાગ્યે જ જાહેરમાં આવતા પુરુસોતમ સોલંકીએ રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે જ તેમની બોડી લેંગ્વેજ પરથી તેમની તબિયતના નાદુરસ્ત હોવાના સંકેત મળતા હતા. તેઓ શપથ પણ માડ માડ પુરા કરી શકયા હતા. તેમને શપથ દરમિયાન થોડી મુશ્કેલી પડતા કાર્યકરોએ તાળીઓ પાડીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

પરબત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા

વિધાનસભાના અધ્યક્ષપદેથી ગણપત વસાવાએ રાજીનામુ આપ્યું અને તેમને મંત્રીમંડળમાં સમાવાયા. તેમના સ્થાને બનાસકાંઠાના ધારાસભ્ય અને પૂર્વમંત્રી પરબત પટેલને કાર્યકારી અધ્યક્ષ નિમવામાં આવ્યા છે. ઉપરાંત, નવા સીએમએ વિધાનસભામાં પક્ષના મુખ્યદંડક તરીકે પંકજ દેસાઈ, નાયબ મુખ્ય દંડક તરીકે આર.સી. પટેલ અને દંડક તરીકે અજય ચોક્સીની પુન: નિયુક્તી કરી છે.

– વિજય રૂપાણીના નવા મંત્રીમંડળમાં સમાવાયેલા મંત્રીઓ
કેબિનેટ કક્ષાના મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રીઓ
1. વિજય રૂપાણી, મુખ્યમંત્રી 1. શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી
2. નિતિન પટેલ, નાયબ-મુખ્યમંત્રી 2. પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા
3. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 3. જયંતિભાઈ રામજીભાઈ કવાડિયા
4. ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા 4. નાનુભાઈ ભગવાનભાઈ વાનાણી
5. ચીમનભાઈ ધરમશીભાઈ સાપરિયા 5. પુરુષોત્તમ ઓઘવજી સોલંકી
6. બાબુભાઈ ભીમાભાઈ બોખિરિયા 6. જશાભાઈ ભાણાભાઈ બારડ
7. આત્મારામ મકનભાઈ પરમાર 7. બચુભાઈ મગનભાઈ ખાબડ
8. દિલીપકુમાર વીરાજી ઠાકોર 8. જયદ્રથસિંહ ચંદ્રસિંહ પરમાર
9. જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા 9. ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ
10. વલ્લભભાઈ ગોબરભાઈ કાકડિયા
11. રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી
12. કેશાજી શિવાજી ચૌહાણ
13. રોહિતભાઈ પટેલ
14. વલ્લભભાઈ વશરામભાઈ વઘાસિયા
15. નિર્મલાબહેન સુનિલભાઈ વાધવાણી
16. શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x