ગાંધીનગરગુજરાત

વિધાનસભાના બજેટ સત્ર પછી રૂપાણી સરકારનુ મંત્રીમંડળનું વિસ્તરણ થશે, જાણો કોને પડતા મુકાશે અને કોની એન્ટ્રી થશે

અમદાવાદ :

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પરિણામો પહેલા જો અને તોની સ્થિતિ હતી પરંતુ હવે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકાર ફેંકી શકે તેવા કોઈ ઈશ્યુ કે સમસ્યા રહી નથી. તેમના વડપણ હેઠળ જ ભાજપે લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકો પર ભવ્ય વિજય મેળવી લીધો છે. આ સાથે જ વિજય રૂપાણી વધુ મજબૂત બન્યા છે. મંત્રીમંડળમાં તેમજ સરકાર અને સંગઠનમાં તેમના કેટલાક કટર હરીફો છે. પરંતુ ગુજરાતમા ભાજપે એક પણ બેઠક નહીં ગુમાવતા અને ઊલટું 2014 કરતા પણ તમામ બેઠકો પર વધુ સરસાઈથી જીત મેળવતા હરીફોના હાથ હેઠા પડ્યા છે. અગાઉ જે ધારણા હતી કે જો ભાજપને ચૂંટણીમાં પાંચથી વધુ બેઠકોનું નુકસાન થશે તો તેવા સંજોગોમાં મુખ્યમંત્રીને પણ બદલી શકાય છે. આ બાબતનો હવે છેદ ઉડી ગયો છે. ભાજપ હાઈકમાન્ડ હવે ધરખમ ફેરફારો કરવાના મૂડમાં નથી. પરંતુ નાના મોટા ફેરફારો ચોક્કસથી કરશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે 4થી જુલાઈથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર પૂર્ણ થયા બાદ રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. જેમાં રાજ્ય કક્ષાના બે મંત્રી પુરુષોત્તમ સોલંકી અને વાસણભાઇ આહિરને પડતા મુકાશે. જેની સામે નવા બે મંત્રીની એન્ટ્રી નિશ્ચિત ગણાઇ રહી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા કોંગ્રેસના બાગી નેતા અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે. આ બંને નેતાઓ માટે પણ હાલમાં જો અને તો ની સ્થિતિ છે. કેમકે ભાજપ હાઈકમાન્ડ જો જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી ચાલુ રાખશે તો તેમને કેબિનેટમાં લઈ જશે નહીં. જ્યારે અલ્પેશ ઠાકોરની ભાજપમાં એન્ટ્રી હવે લગભગ નિશ્ચિત મનાઇ રહી છે. તેમની સાથે કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર પણ ભાજપમાં આવે તેવી શક્યતાઓ છે. જો તેઓ ભાજપમાં આવશે તો અલ્પેશ ઠાકોરને રાજ્યકક્ષાનું મંત્રીપદ અપાશે.

જોકે અલ્પેશ ઠાકોરની સામે ભાજપમાં જ ખૂબ આંતરિક વિરોધ છે. તેમને ભાજપમાં લેવામાં ન આવે તે રીતની રજૂઆતો પણ અમિત શાહ સુધી થઈ ગઈ છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં પાટણ અને બનાસકાંઠા બેઠક પર અલ્પેશ ઠાકોરે ભાજપને જીતાડવામાં પાછલા બારણેથી ઘણી જ મદદ કરી હતી. એ સમયે અમિત શાહ સાથે એવું ડીલ થયું હતું કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવો અને મંત્રીપદ આપવું. પરંતુ ભાજપના નેતાઓ અલ્પેશની સામે ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હોવાથી અલ્પેશને કેબિનેટ અપાશે નહીં.

પરંતુ રાજ્યકક્ષાના મંત્રી બનાવીને કોઈ સામાન્ય ખાતું આપી દેવાશે. એ સિવાય પરબત પટેલ સાંસદ બની જતા તેમની પાસે રહેલા જળસંપતિ ખાતાનો હવાલો હાલમાં મુખ્યમંત્રી પાસે છે. તે ખાતાની ફાળવણી પણ કોઈ નવા મંત્રીને જ કરાશે. ઉપરાંત અન્ય બેથી ત્રણ ધારાસભ્યોને રાજ્ય કક્ષાનો હવાલો આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.

જ્યારે સૌથી મહત્વની વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની છે. સચિવાલયમાં અને ભાજપમાં એવી ચર્ચા થઈ રહી છે કે તેઓ મુખ્યમંત્રીને ખાસ કોઈ મદદ કરતા નથી તેમજ વહીવહી કામમાં સંકલન રાખતા નથી આવા બધા કારણોને લઈને આગામી સમયમાં નીતિન પટેલને સાઈડમાં ધકેલી દેવાશે. તેમના ખાતામાં પણ ફેરબદલ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી આગામી દિવસોમાં રાજકીય રીતે ઘણી ઊથલપાથલ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x