Uncategorizedરાષ્ટ્રીય

PM મોદીનું સન્માન કરવામાં શિવાજી મહારાજનું અપમાન થતાં વિવાદ

હિન્દવી સ્વરાજના જનક છત્રપતિ શિવાજી મહારાજ સાથે ધારણ કરતા એવી જિરેટોપ (શંકુ આકારની વિશિષ્ટ પાઘડી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે પહેરાવતા વિરોધનો વંટોળ જાગ્યો છે. વિપક્ષી નેતાઓએ આકરા શબ્દોમાં ટીકાના તીર છોડીને પ્રફુલ્લ પટેલની આ હરકતને છત્રપતિ શિવાજી મહારાજના ભારોભાર અપમાનરૂપ ગણાવી હતી.

નરેન્દ્ર મોદી ગઈકાલે વારાણસી ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે એનસીપી (અજીત પવાર)ના નેતા પ્રફુલ્લ પેટેલે તેમને જિરેટોપ પહેરાવીને સન્માન કર્યું હતું. વિપક્ષી છાવણીમાં બાબતની જાણ થતાં સત્તાધારી પક્ષ પર પૂરી તાકાતથી તૂટી પડવાનો તેમને મોકો મળી ગયો હતો. શિવાજીનીઆગવી ઓળખ બની ગયેલી આ જિરેટોપ આજ સુધી કોઈને માથે પહેરાવવામાં નથી આવી, વાસ્તવમાં તેને થાળીમાં મૂકી સન્માનપૂર્વક ભેટ ધરાય છે.

શિવસેના (ઉધ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાવતે આક્રોશપૂર્વક કહ્યું હતું કે “મહારાષ્ટ્ર આ બાબત બહુ જ ગંભીરતાથી લેશે. એક વખત વડા પ્રધાન મોદીએ જ કહ્યું હતું કે પ્રફુલ પટેલના ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે ધંધાદારી સંબંધ છે. ઉધ્ધવ ઠાકરેએ પ્રહાર કરતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે મોદી સાહેબ છત્રપતિ શિવાજી મહારાજની જિરેટોપ માથે પહેરવાની તો શું તેની સામે નજર કરવાની પણ તમારી લાયકાત નથી.

જિરેટોપને મામલે વિરોધ અને વિવાદ વધતાં પ્રફુલ પટેલે માફી માગતા જણાવ્યું હતું કે હિંદવી સ્વરાજના સ્થાપક, યુગપુરૂષ છત્રપતિ શિવાજી મહારાજ અમારા સહુના આરાધ્ય દેવ છે તેમણે ચિંધેલા માર્ગે આગળ વધવા અમે કટીબદ્ધ છીએ. શિવાજી મહારાજનું અપમાન થાય એની કોઈ વાત વિચારી પણ ન શકીએ. છતાં કોઈની લાગણી દુભાય નહીં એ માટે ભવિષ્યમાં ચોક્કસ તકેદારી રાખશું.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x