ગાંધીનગરગુજરાત

GST થી ગુજરાત સરકારને વાર્ષિક 4થી 5 હજાર કરોડનુ નુકસાન થઈ રહ્યું છે : નીતિન પટેલ

ગાંધીનગર :
મોદી સરકારના અતિ મહત્વકાંક્ષી નિર્ણયોમાંના એક એવા ‘એક દેશ, એક કર’ ના સપનાને સાકાર કરનાર GSTના અમલીકરણને આજે 2 વર્ષ પુરા થયા છે. GST લાગુ થયાના 2 વર્ષ બાદ પણ ગુજરાતને નુકસાન થઇ રહ્યું હોવાની કબૂલાત ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી છે. જીએસટીના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ જે એન સિંહ, ચીફ કમિશ્નર અજય જૈન, પી ડી વાઘેલા અને રાજ્યના ઉદ્યોગજગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

GSTની સફળતાના 2 વર્ષના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે પ્રજાના હિત માટે જીએસટીના અમલીકરણનો નિર્ણય કર્યો હતો. જો કે આ નિર્ણયથી આજે પણ સરકારને વાર્ષિક 4 થી 5 હજાર કરોડ રુપિયાનું નુકસાન થઇ રહ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારને થઈ રહેલા આ નુકસાનની ભરપાઈ હાલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારને હાલ જીએસટી હેઠળ 44 હજાર કરોડ રુપિયાની આવક થઇ રહી છે, જ્યારે વેટ હેઠળ 21 હજાર કરોડ રુપિયાની આવક થઇ રહી છે. જેના કારણે રાજ્યની કુલ આવક અંદાજિત રુ. 63 હજાર કરોડને પાર છે. જેમાં સરકારને નુકસાન થઇ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલને હાલ પૂરતો GST હેઠળ લાવવા એક પણ રાજ્ય સરકાર તૈયાર ન હોવાના કારણે તેના પર વેટ જ લાગુ રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વેટની આવક માત્ર રાજ્ય સરકાર પાસે રહેતી હોવાથી હાલમાં અલગ અલગ રાજ્યમાં સરકારો દ્વારા આ નિર્ણય લેવાયો છે.

GST અંગે ઉદ્યોગજગતના અગ્રણીઓ પણ માની રહ્યા છે કે, હાલ કેટલાક પડકારો છતાં જીએસટીનું અમલીકરણ સફળ રહ્યું છે. ઉદ્યોગ જગતે જણાવ્યું કે, આગામી દિવસોમાં હજુ પણ GST કર વ્યવસ્થામાં કેટલાક સુધારા કરવામાં આવે, જેથી કરીને ગુજરાતના ઉદ્યોગોને ફાયદો થાય જેનો સીધો લાભ રાજ્ય સરકારને મળે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x