શ્રમિકો કામ કરતા હોય તેવી તમામ સાઈટ પર બપોરે 12થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવા સૂચના: વેતન કપાત નહિ થાય
તાજેતરની સ્ટેટ ફોરકાસ્ટ અનુસાર રાજ્યમાં તા. 22 મે થી પાંચ દિવસ સુધી મોટાભાગના જિલ્લાઓમાં હીટ વેવની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં ઉષ્ણ લહેરની હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખીને ગાંધીનગરના નિવાસી અધિક કલેક્ટર શ્રી દિગન્ત બ્રહ્મભટ્ટ દ્વારા સંબંધિત તમામ વિભાગ અને કચેરીઓને ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ તથા અન્ય સાઇટ કે જ્યાં શ્રમિકો કામ કરતા હોય તેવી તમામ સાઈટ પર બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન કામગીરી લેવામાં ન આવે તથા આ સમય માટે શ્રમિકોનું વેતન કપાત કરવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સંબંધિત તમામ કચેરીઓ દ્વારા હીટ સ્ટોકથી એટલે કે “લૂ લાગવાથી” બચવા માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને લોકોને આ બાબતે જાગૃત કરવામાં આવે તેમ પણ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યું છે.