બ્રિટનના બોગસ સ્પોન્સર સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાના નામે છેતરપિંડી
વડોદારમાં વિઝા કન્સલટન્ટ પાસે યુકેના સ્પોન્સરશિપ સર્ટિફિકેટનું કામ લીધા બાદ સુરતના એજન્ટે રૂપિયા 84.30 લાખની રકમ પડાવી લેતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ન્યુ વીઆઇપીરોડની અનિલપાર્ક-3 સોસાયટીમાં રહેતા અને સારાભાઇ કેમ્પસમાં એટલાન્ટિસ ખાતે કે-10 બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા ગૌરાંગભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,યુકેના વિઝા માટે સુરતના કષ્ટભંજન ઇમિગ્રેશનના ભાર્ગવ શિહોરા અને ભૌમિક પગડાળ સાથે કામ કરતો હોઉં છું.
મારા સાત ગ્રાહકોને યુકેના વિઝા માટે સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ (સીઓએસ)ની જરૂર હોવાથી મેં ભૌમિક પગડાળને કામ સોંપ્યું હતું.જે પેટે તેને રૂ. 84.30 લાખ ચૂકવ્યા હતા.પરંતુ તેણે જે સર્ટિફિકેટ આપ્યા તે બોગસ હતા. જેથી મારા ગ્રાહકોના વિઝા રદ થયા હતા.
ભૌમિકને આ માટે વાત કરતાં તેણે તેની માતા-પિતાની સહી વાળા ચેક આપ્યા હતા. પરંતુ આ ચેકોમાં સહી જુદી પડતી હોવાથી બાઉન્સ થયા હતા.ગોરવા પોલીસે આ અંગે ભૌમક જેરામભાઇ પગડાળ(અવધૂત સોસાયટી,પૂના પોલીસ ચોકી પાસે,પૂના ગામ,સુરત) સામે ગુનો નોંધ્યો છે.