કચ્છના ગાંધીધામમાં ખારી રોહર પાસેથી 130 કરોડની કિંમતનું 13 કિલો કોકેઇન જપ્ત
બુધવારે વહેલી સવારે ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ નગર નજીકના ખાડી વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં 130 કરોડ રૂપિયાની કિંમતના કોકેઇનના 13 બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. જેને લઇને એટીએસ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કચ્છ-પૂર્વ વિભાગના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દાણચોરી કરનારાઓએ પકડાઈ જવાથી બચવા માટે દરિયાકાંઠે પ્રતિબંધિત પદાર્થો છુપાવી રાખ્યા હતા. આઠ મહિનામાં આ જ ખાડી વિસ્તારમાંથી આ બીજી મોટી માદક દ્રવ્યોની જપ્તી છે.
તેમણે વધુમાં જણાવ્યું છેકે, આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપની સંયુક્ત ટીમે ગાંધીધામ શહેર નજીકના મીઠી રોહર ગામમાંથી પસાર થતા ખાડી વિસ્તારમાંથી 130 કરોડ રૂપિયાની કિંમતના કોકેઇનના 13 બિનવારસી પેકેટ જપ્ત કર્યા હતા. સ્મગલરો દ્વારા અહીં આ પેકેટ છૂપાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જે પ્રકારનું પેકેટ આ વિસ્તારમાંથી જ મળી આવ્યું હતું, તેના જેવા જ આ પેકેટ છે. એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એટીએસના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ જણાવ્યું છેકે, વહેલી સવારે કચ્છના ગાંધીધામ નજીકના ખાડી વિસ્તારમાંથી એક કિલોગ્રામ વજનના કોકેઇનના 13 બિનવારસી પેકેટ જપ્ત કર્યા છે. અજાણ્યા લોકો સામે કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કચ્છ-પૂર્વ પોલીસે આ જ વિસ્તારમાંથી કોકેઇનના 80 દાવા વગરના પેકેટ જપ્ત કર્યા હતા, જેનું વજન એક કિલોગ્રામ હતું અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કુલ કિંમત 800 કરોડ રૂપિયા હતી.