રાષ્ટ્રીય

શેરબજારમાં આવ્યો અણધાર્યો ઉછાળો, SenSexમાં 2400ની છલાંગ

મુંબઇ: એશિયાઈ બજારોના સુધારાના અહેવાલો સાથે સ્થાનિક શેરબજારમાં પણ ભયાનક કડાકા પછીનો પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સે 2400 પોઇન્ટની છલાંગ લગાવી છે, જ્યારે નિફ્ટી 22,600ની સપાટી ટેસ્ટ કરી ચૂક્યો છે. બજારમાં આવેલા આ અણધાર્યા ઉછાળાથી નિરિક્ષકો પણ અચંબો પામ્યા છે. બજારના સાધનો અનુસાર રોકાણકારોએ અંતે મોદી સરકાર જ સત્તારૂઢ થવાની છે એવું માનીને ચૂંટણી પરિણામની ચિંતા ખંખેરીને વેલ્યુબાઇંગ કર્યું હોવાથી બેન્ચમાર્કમાં ઉછાળો આવ્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૨૩૭૬ પોઇન્ટના સુધારા સાથે ૭૪,૪૨૨ની સપાટીએ અને ૭૫૮ પોઇન્ટના જમ્પ સાથે 22,62 પોઇન્ટની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.

જોકે નિષ્ણાતો કહે છે કે બજાર ને સ્થિર થતાં સહેજ વાર લાગશે. નોંધવુ રહ્યું કે ચૂંટણી પરિણામથી નિરાશ અને ચિંતિત થયેલા રોકાણકારોની પ્રચંડ વેચવાલી ને કારણે પાછલા સત્રમાં એક તબક્કે સેન્સેકસમાં ૬૦૦૦ પોઈન્ટનો વિક્રમી કડાકો નોંધાયો હતો અને અંતે 4000 પોઇન્ટ જેટલા કડાકા સાથે રોકાણકારોની સંપત્તિમાંથી ૩૧ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું હતું.

પાછલા સત્રમાં છ છ ટકાનો કડાકો નોંધાવનાર સેન્સેકસ અને નિફ્ટીએ આજે બબ્બે ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. જોકે આગળના પ્રવાસ માટે કશું કહી શકાય એમ નથી. સરકારની રચના પર બજારની નજર છે. આજની વાત કરીએ તો બુધવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન ભારતીય શેરોએ લાભ અને નુકસાનની વધઘટની પેટર્ન દર્શાવી હતી.

પ્રારંભિક સત્રમાં બેન્ચમાર્ક અનિયમિત ચાલમાં અટવાયા હતા કારણકે રોકાણકારો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઠબંધનની પાતળી જીતરેખાથી ચિંતિત છે અને નવી સરકારની રચના અંગે વધુ અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે લેવલ બદલાઈ રહ્યા છે, પરંતુ એકંદરે સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

હિન્દાલ્કોની માલિકીની નોવેલિસ યુએસ દ્વારા આઇપીઓ મુલતવી રાખવના સમાચાર છે. અદાણી ગ્રુપના શેરમાં પાંચ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા ટઈંડ ૩૦% હળવો થયો છે, જે એક સારી નિશાની છે. ઓટો અને એફએમસીજી ઇન્ડેક્સ ૫૨ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. બજારના નિષ્ણાત કહે છે કે, અણધાર્યા ચૂંટણી પરિણામોને પચાવવામાં બજારને થોડો સમય લાગશે.

ટૂંક સમયમાં બજારમાં સ્થિરતા પાછી આવશે પરંતુ કેબિનેટ અને મુખ્ય પોર્ટફોલિયો અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી વોલેટિલિટી ચાલુ રહેશે. નજીકના ગાળામાં બજારમાં તીવ્ર રિબાઉન્ડની શક્યતા નથી પરંતુ ક્ષેત્રીય પસંદગીઓ બદલાઈ શકે છે. એફએમસીજી, હેલ્થકેર અને આઈટી જેવા ક્ષેત્રોને પ્રથમ પસંદગી મળશે અને ગતિ ધીમી પડશે.તીવ્ર બજાર કરેક્શનની એક સકારાત્મક બાબત એ છે કે અતિશય ઊંચા મૂલ્યાંકનમાં થોડો ઘટાડો થયો છે અને કેબિનેટની રચના અને ફાળવણી અંગે સ્પષ્ટતા થાય પછી સંસ્થાકીય ખરીદીને સરળ બનશે.રોકાણકારો આઇટી, ફાઇનાન્શિયલ, ઓટો અને કેપિટલ ગુડ્ઝમાં ઉચ્ચ ગુણવત્તાવાળા લાર્જકેપ્સ પર ધ્યાન આપી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x