ગુજરાત

વડોદરામાં 18 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, CMએ સ્થિતિની સમીક્ષા કરી, આવતી કાલે શાળા-કોલેજોમાં રજા જાહેર.

વડોદરા :

શહેરમાંવહેલી સવારથી ધીમીધારે એકધારો વરસાદ શરૂ થયો હતો. જો કે બપોર બાદ શહેરમાં આભ ફાટતાં સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. બપોરે બે થી 4 વાગ્યા વચ્ચે એટલે કે બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યાર બાદ 4થી 6 વાગ્યા વચ્ચે વધુ 4 ઈંચ વરસાદ થયો હતો. ત્યાર બાદ 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં વધુ 8 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ શહેરમાં બારે મેઘ ખાંગા થતા શહેર જળબંબાકાર થયું હતું. જેને પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ હતી. તેમજ આવતીકાલે(1 ઓગસ્ટે) ખાનગી અને શાળા-કોલેજો રજા જાહેર કરવામાં આવી છે.તેમજ વડોદરા જતી 4 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ રવાના કરાઈ છે.

મુખ્યમંત્રીએ વડોદરાની સ્થિતિ અંગે સમીક્ષા કરી, બે IAS અધિકારીનો વડોદરા મોકલ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી છે. બે IAS અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપી છે. તેમજમુખ્યમંત્રી વડોદરા શહેરની સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.

નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને હટવા સૂચના

શહેર જળબંબાકાર થતા અનેક સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. જ્યારે 15 વૃક્ષો ધરાશાયી થયા છે. હાલ જનજીવન પણ ખોરવાયું છે.હવામાન ખાતાએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને હટવા સૂચના આપી છે. જ્યારે અકોટા,વિશ્વામિત્રી, આજવારોડ, મચ્છીપીઠ, નાગરવાડા, સલાટવાડા કારેલીબાગ, ફતેગંજ વિસ્તારોના રહેવાસીઓને કામ વિના બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.

શ્વામિત્રી ભયજનક સપાટીએ પહોંચતા શહેરીજનોના જીવ તાળવે ચોંટ્યા
સાંજના 6 વાગ્યે વિશ્વામિત્રીની સપાટી 20 ફૂટે પહોંચી હતી. જ્યારે ભયજનક સપાટી 22 ફૂટે વટાવી દેશે. જેને કારણે સમગ્ર વડોદરાવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે.

ચાર ટ્રેન ડાયવર્ટ

12917-ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ

19309-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ

11463-સોમનાથ-જબલપુર એક્સપ્રેસ

19422-પટના-અમદાવાદ એક્સપ્રેસ
પાણી ભરાતાં લોકોની હાલત કફોડી

શહેરમાં મોડી રાતથી અવિરત ધીમીધારે વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સતત ચાલુ રહેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી હતી. વહેલી સવારે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઇ ગયા હતા. વરસાદને પગલે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી. તો બીજી બાજુ શ્રમજીવીઓ, પથારા, ખાણી-પીણીની લારીઓ ચલાવીને ગુજરાન ચલાવનારની હાલત કફોડી બની ગઇ હતી. સતત વરસાદને કારણે ઝૂંપડાવાસીઓની હાલત પણ દયનીય બની ગઇ હતી.શહેરમાં સતત વરસી રહેલા પગલે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કીટ થવાના કારણે વીજપુરવઠો ખોરવાઇ ગયા હોવાના અહેવાલો મળ્યા છે. ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમો ખડેપગે કોલ મળતાજ સ્થળ પર પહોંચી કામગીરી કરી રહી છે.

ખેતરોમાં કાચુ સોનું વરસ્યું

ખેડૂતો માટે આકાશમાંથી સોનું વરસી રહ્યું હોય તેવા વરસી રહેલા વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખૂશીનો માહોલ છવાઇ ગયો છે. વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં અડધોથી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સ્થાનિક પૂર નિયંત્રણકક્ષના સુત્રોએ જણાવ્યું હતું. જેમાં પાદરા-22 મિ.મી., સાવલી-17 મિ.મી., ડેસર-29 મિ.મી., ડભોઇ- 47 મિ.મી., શિનોર-5 મિ.મી., કરજણ- 14 મિ.મી., અને વાઘોડિયા તાલુકામાં 22 મિ.મી. વરસાદ નોંધાયો છે. મધ્યમથી ભારે વરસી રહેલા વરસાદમાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.

વાહનચાલકોને મુશ્કેલી

શહેરમાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારો એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા છે. સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો બની ગયો છે. વાહન ચાલકોને અન્ય માર્ગ ઉપરથી જવાની ફરજ પડી રહી છે.

ગટરો ચોક અપ

ભારે વરસાદને પગલે વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ સામે આવેલી લક્ષ્મીદાસ નગર-2, રૂપલ પાર્ક, નવનાથ નગર સહિત વિવિધ સોસાયટીઓમાં રોડ ઉપર ભરાયેલા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે સર્જાતી સમસ્યાને કારણે સોસાયટીના મકાન માલિકોએ ઘરના દરવાજા પાસે ઉંચી પાળી બનાવેલી છે. આજે ભારે વરસાદના પગલે રોડ ઉપર ભરાયેલા પાણી પાળી ઓળંગીને ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ ઉપરાંત ડ્રેનેજ લાઇનો અને વરસાદી ગટરો ચોકઅપ થઇ જવાના કારણે પાણીનો નિકાલ ન થતાં ઘરના ટોયલેટોમાંથી પાણી ઉભરાઇને ઘરમાં આવી જતાં લોકો દયનીય હાલતમાં મુકાઇ ગયા છે.

શહેરના ચકલી સર્કલ પાસે ઝાડ પડતા ત્રણ વ્યક્તિઓ દટાયા

લાંબી રાહ જોવડાવ્યા બાદ વડોદરા શહેર-જિલ્લામાં મેઘો મનમૂકીને વરસી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદને પગલે શહેરના મુખ્યમાર્ગો ઉપર ઠેર-ઠેર પાણી ભરાઇ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સતત વરસાદને કારણે વેપાર-ધંધા ઉપર પણ અસર જોવા મળી હતી. કેટલાંક વેપારીઓ દુકાનો બંધ કરીને ઘરે ચાલ્યા ગયા હતા.શહેરના રેષકોર્સ ચકલી સર્કલ પાસે આવેલ તોતીંગ વૃક્ષ પડતા ત્રણ રાહદારીઓ દટાઇ ગયા હતા. જોકે, તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરતજ સ્થળ પર પહોંચી ગયા હતા. અને રોડ પડેલા ઝાડને દૂર કરી દીધું હતું. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે 15થી વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા.

પાણીમાં ફસાઇ ગયેલા લોકો વાહનો મૂકી જતા રહ્યા

ભારે વરસાદને પગલે શહેરમાં 25 જેટલા સ્થળોએ નાના-મોટા વૃક્ષો જમીનદોસ્ત થવાના, પોલીસ ગ્રાઉન્ડની દીવાલ પડી જવાના બનાવો બન્યા હતા. શહેરના માર્ગો ઉપર પાર્ક કરેલા ટુવ્હિલરો, ફોરવ્હિલરો પાણીમાં ડૂબી ગયા હતા. અનેક લોકોને પાણીમાં ફસાઇ ગયેલા વાહનો જે તે સ્થળે મુકીને ઘરે જવાની ફરજ પડી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x