નીટ વિવાદ : 1563 વિદ્યાર્થીઓનું ગ્રેસિંગ રદ : ફરી પરીક્ષાનો વિકલ્પ
નવી દિલ્હી : નીટ યુજી-૨૦૨૪ના વિવાદમાં ગુરુવારે વિદ્યાર્થીઓનો મોટો વિજય થયો છે. નીટ પરીક્ષા પરિણામમાં ગેરરીતિઓના પગલે સુપ્રીમ કોર્ટે આ પરીક્ષાનું આયોજન કરનાર એનટીએને એમબીબીએસ અને અન્ય કોર્સમાં પ્રવેશ માટે પરીક્ષા આપનારા ૧૫૬૩ વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરવાનો અને તેમને પુન: પરીક્ષાનો વિકલ્પ આપવા આદેશ આપ્યો છે. આમ, હવે આ વિદ્યાર્થીઓએ ગ્રેસ માર્ક્સ ભૂલી જવા પડશે અથવા તેમણે હવે ૨૩ જૂને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. જોકે, ન્યાયાધીશો વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે ૬ જુલાઈથી શરૂ થઈ રહેલું નીટ યુજી-૨૦૨૪નું કાઉન્સેલિંગ રોકવાનો ઈન્કાર કરી દીધો હતો.
નીટ યુજી ૨૦૨૪માં ૬૭ વિદ્યાર્થીઓને ૭૨૦માંથી ૭૨૦ માર્ક્સ મળવા અંગે એનટીએએ તેના માટે ગ્રેસ માર્ક્સ કારણભૂત હોવાનું જણાવ્યું હતું. એનટીએએ તેની સફાઈમાં કહ્યું હતું કે, કેટલાક એક્ઝામ સેન્ટર્સ પર સમય બરબાદ થવાના કારણે કુલ ૧૫૬૩ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ અપાયા હતા, જેના કારણે ૪૪ વિદ્યાર્થીઓને ૭૨૦ માર્ક્સ મળ્યા હતા. જોકે, હવે એનટીએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ ગ્રેસ માર્ક્સ રદ કરીને આ વિદ્યાર્થીઓને પુન: પરીક્ષાનો વિકલ્પ આપશે. આ વિદ્યાર્થીઓએ ગ્રેસ માર્ક્સ વિનાનું તેમનુંપરીણામ સ્વીકારી લેવું પડશે અથવા તમને ૨૩ જૂને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ અપાશે, જેનું પરીણામ ૩૦ જૂને જાહેર થશે. ત્યાર પછી એનટીએએ ફરીથી લિસ્ટ બનાવવું પડશે, જેના આધારે ૬ જુલાઈથી કાઉન્સેલિંગ શરૂ થશે. આ અંગે આજે જાહેરનામું પણ બહાર પડાયું હતું.
નીટના પરિણામ જાહેર થયા પછી પરીક્ષા અને પરીણામોમાં અનેક ગેરરીતિની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી. આ અરજીઓની સુનાવણી સમયે એનટીએએ કહ્યું હતું કે, તે ગ્રેસ માર્ક્સ મેળવનારા ૧૫૬૩ વિદ્યાર્થીઓની પુન: પરીક્ષા લેવા માટે તૈયાર છે. આ પહેલાં એનટીએએ કહ્યું હતું કે વર્તમાન સમસ્યા ૨૪ લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૧૫૬૩ વિદ્યાર્થીની પરીક્ષાના પરિણામ સુધી મર્યાદિત છે. અન્ય વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં થાય.
ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની વેકેશન બેન્ચે ગુરુવારે ફરી જણાવ્યું હતું કે નીટ-યુજીના કાઉન્સેલિંગ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં નહીં આવે. વિદ્યાર્થી કાઉન્સેલિંગ રાઉન્ડમાં સામેલ થઈ શકે છે. ૨૩ જૂને ફરીથી નીટ થશે અને ૩૦ જૂને પરિણામ જાહેર થશે. જોકે, સુપ્રીમ કોર્ટમાં પેપર લીકના પગલે નીટ રદ કરવા માટે પણ અનેક અરજીઓ થઈ છે. આ પેન્ડિંગ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં વેકેશન પુરું થયા પછી ૮ જુલાઈએ સુનાવણી થશે. પેપર લીક કેસમાં તપાસ હજુ ચાલુ છે.
નીટના ઈતિહાસમાં પહેલી વખત એક સાથે ૬૭ વિદ્યાર્થીને ટોપર જાહેર કરાયા હતા. એનટીએએ આ માટે ગ્રેસ માર્ક્સને કારણભૂત ગણાવ્યા હતા. ગ્રેસ માર્ક્સના કારણે ૪૪ વિદ્યાર્થીને એઆઈઆર-૧ મળ્યું અને વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૬૭ થઈ ગઈ. જોકે, હવે ગ્રેસ માર્ક્સ રદ કરવામાં આવતા ટોપર્સની સંખ્યા પણ ૬૭થી ઘટીને ૬૧ થઈ ગઈ છે. હરિયાણાના એક કેન્દ્રમાં પરીક્ષા આપનારા છ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ સાથે ટોપ રેન્ક મળી હતી.
દરમિયાન કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે નીટ-યુજીમાં પેપર લીકના આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે પેપર લીકના કોઈ પુરાવા નથી. એનટીએ પર ભ્રષ્ટાચારના આરોપો નિર્રથક છે. આ એક વિશ્વસનીય સંસ્થા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર પેપરના બે સેટ હોય છે અને પરીક્ષા શરૂ થવાના થોડાક સમય પહેલાં જ જણાવાય છે કે કયું પેપર ખોલવાનું છે. પરંતુ ૬ પરીક્ષા કેન્દ્રો પર બીજો સેટ ખોલી દેવાયો હતો જેના કારણે પેપરમાં ૩૦-૪૦ મિનિટ સમય બગડયો હતો.
નવી દિલ્હી : નીટ-યુજી ૨૦૨૪માં પેપર લીકના કેસ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે સરકારની આકરી ટીકા કરી છે. કોંગ્રેસે કહ્યું કે, આ મુદ્દે સમગ્ર દેશમાં ભારે આગ્રોશ ફેલાયેલો છે. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવાશે. વધુમાં કોંગ્રેસે નીટ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં તપાસની માગ કરી છે. કોંગ્રેસે એનટીએના મહાનિર્દેશકને હટાવવાની પણ માગ કીર છે. પક્ષે દાવો કર્યો છે કે નીટની તપાસ માટે થઈ રહેલી માગ પ્રત્યે ભાજપ સરકારનું વલણ બેજવાબદાર અને અસંવેદનશીલ છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં મોદી સરકારે પેપર લીક અને ગેરરીતિઓ મારફત કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું છે. નીટમાં ગ્રેસ માર્ક્સ જ એકમાત્ર સમસ્યા નહોતી. તેમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે, પેપર લીક થયા છે, ભ્રષ્ટાચાર થયો છે. મોદી સરકારના કામોના કારણે નીટમાં ભાગ લેનારા ૨૪ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. પરીક્ષા કેન્દ્ર અને કોચિંગ સેન્ટરની સાંઠગાંઠ બની ગઈ છે, જ્યાં રૂપિયા આપો, પેપર મેળવોનો ખેલ ચાલી રહ્યો છે.