ભાજપે 3 રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર
લોકસભા 2024ની ચૂંટણી પૂરી થતાં જ ભાજપે આગામી ત્રણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી માટે તૈયારી તેજ કરી દીધી છે. પાર્ટીએ હિમાચલ, ઉત્તરાખંડ અને એમપીની વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રણ રાજ્યો – મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની આગામી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાની કેટલીક બેઠકો ખાલી પડી હતી, જેના માટે હવે પેટાચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપે યાદી જાહેર કરી છે.
પાર્ટીએ હિમાચલ પ્રદેશની દેહરા બેઠક પરથી હોશિયાર સિંહ ચંબ્યાલ, હમીરપુરથી આશિષ શર્મા અને નલગઢથી કૃષ્ણ લાલ ઠાકુરના નામની જાહેરાત કરી છે. તો મધ્યપ્રદેશની અમરવાડા બેઠક પરથી ભાજપે કમલેશ શાહને મેદાનમાં ઉતાર્યા છે. તેમજ ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક માટે ભાજપે રાજેન્દ્ર સિંહ ભંડારી અને મેંગ્લોર બેઠક માટે કરતાર સિંહ ભડાના પર વિશ્વાસ મૂક્યો છે. ભારતના ચૂંટણી પંચ (ECI)એ બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે.
કઈ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે?
જે રાજ્યોની વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે તેમાં પશ્ચિમ બંગાળની ચાર બેઠકો, હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકો અને ઉત્તરાખંડની બે બેઠકોનો સમાવેશ થાય છે. જે 13 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં રૂપૌલી (બિહાર), રાયગંજ (પશ્ચિમ બંગાળ), રાણાઘાટ દક્ષિણ (પશ્ચિમ બંગાળ), બાગડા (પશ્ચિમ બંગાળ), મણિકતલા (પશ્ચિમ બંગાળ), વિક્રવંડી (તામિલનાડુ), અમરવાડા (મધ્ય પ્રદેશ) બદ્રીનાથ (ઉત્તરાખંડ), મેંગ્લોર (ઉત્તરાખંડ), જલંધર પશ્ચિમ (પંજાબ), દેહરા (હિમાચલ પ્રદેશ), હમીરપુર (હિમાચલ પ્રદેશ) અને નાલાગઢ (હિમાચલ પ્રદેશ)નો સમાવેશ થાય છે