ગુજરાત સરકારની તમામ ઓનલાઈન સેવાઓ થઈ જશે ઠપ્પ…!
ગાંધીનગર :
રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે ૯મી ઓગસ્ટની રાત્રે આઠ કલાક પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો છે. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરીંગનું કામ શરૂ કરવાનું હોવાથી ૧૨મી ઓગસ્ટની રાત્રે ૧૧-૫૯ મિનિટ સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવાશે. આગામી સપ્તાહના બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના ત્રણ વર્ષની ઉજવણી માટે મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન થયુ છે. તેના બીજા જ દિવસથી ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ શટડાઉન થવાની સુચના પછી આ કાર્યક્રમમાં જેમને સહાય આપવાની છે તેવા લાભાર્થીઓની વિગતો, ખર્ચના બીલોની પ્રક્રિયા- નોંધણી ડેટા સેન્ટર બંધ થાય તે પહેલા પુર્ણ કરવા કૃષિ, ઉર્જા, શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગમાં દોડધામ શરૂ થઈ છે.
જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની ૩૦૦થી વધુ વેબસાઈટ અને ૪૦થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન જન્મ- મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન હંકારવાનું લાયન્સ, ઈ- ટ્રેઝરીથી લઈને શિષ્યવૃતિ સહિતની અનેક યોજનાઓ માટે ૪૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઈન સેવાઓ નાગરીકોને ઉપલબ્ધ કરાવાય છે. જે આગામી સપ્તાહે ગુરૂવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે ! મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યુ હતુ કે, આગામી સપ્તાહે શનિ- રવિ જાહેર રજા છે. માત્ર શુક્રવારના એક દિવસ માટે નાગરીકોને હાલાકી પડશે. રવિવારની મધ્યરાત્રિ બાદ સેવાઓ પુર્વવત થઈ જશે. (સ્રોત : સંદેશ)