ગિફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઈન’ સ્કીમનો ફ્લોપ શો
ગુજરાતના એકમાત્ર બિઝનેસ પ્લેસ ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે દારૂબંધીમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી, જે નિષ્ફળ સાબિત થઈ છે. અટપટી શરતો અને દારૂની ઊંચી કિંમતોના કારણે આ યોજના ફ્લોપ થઈ રહી છે. પરમીટ શોપ કરતાં ત્રણ ગણો મોંઘો દારૂ ખરીદવા લોકોને રસ પડ્યો નથી.રાજ્ય સરકારે 31મી ડિસેમ્બરે ગિફ્ટ સિટીમાં દારૂના શરતી વેચાણ અને વપરાશને મંજૂરી આપી હતી. પરંતુ તેનો અમલ પહેલી માર્ચથી શરૂ કરવામાં આવ્યો હતો. આટલા સમય પછી માત્ર 600 લીટર જેટલો દારૂ વેચાયો છે અને પીવાયો છે. માત્ર 500 કર્મચારીઓએ અરજી કરી હતી.
રાજ્યના નશાબંધી વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સરકારે દારૂ પીવા અને પીરસવા માટે જે શરતો લાગુ કરી હતી. તેના કારણે તેમજ દારૂની કિંમત કર્મચારીઓ અને મુલાકાતીઓને પરવડી નથી. ગિફ્ટ સિટીમાં 25 હજાર લોકો કામ કરી રહ્યાં છે. જેની સામે 250ને પરમીટનો આંકડો ખૂબ મર્યાદિત જોવા મળ્યો છે. દારૂબંધીમાં છૂટછાટનો લોકો લાભ લઈ રહ્યાં નથી.’
દારૂબંધીની છૂટછાટ હળવી કરવા કંપનીઓની માંગ
દારૂબંધીમાં છૂટછાટ એ ભ્રામક જાહેરાત સાબિત થઈ રહી છે. ખાસ કરીને નશાબંધી વિભાગે એવી શરત મૂકી હતી કે ગિફ્ટ સિટીના મુલાકાતીને દારૂ પીવો હોય તો કોઈ કંપનીના કર્મચારીએ તેની સાથે હોટલ કે ક્લબમાં જવું પડશે, પરંતુ કામ પર અસર થતી હોવાથી કર્મચારી જઈ શકતા નથી તેથી આ શરતનું પાલન કરવું અશક્ય છે. બીજી તરફ ગુજરાતમાં જે હોટલોને દારૂની પરમીટ આપવામાં આવી છે. ત્યાં અને ગિફ્ટ સિટીમાં જેમને પરમીટ આપવામાં આવી છે. તે બંન્નેના ભાવમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટછાટને હજી વધારે હળવી કરવાની માગણી કંપનીઓ કરી રહી છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓને સાંજનું વાતાવરણ પુરૂં પાડવાનો સરકારનો પ્રયાસ એક સપનું બનીને રહી ગયો છે.