ભાષણમાંથી શબ્દો હટાવતા રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરને લખ્યો પત્ર
સંસદમાં 18મી લોકસભા (Lok Sabha)ના પ્રથમ સત્રના છઠ્ઠા દિવસે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આજે લોકસભાની કાર્યવાહીમાંથી રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ભાષણોમાંથી કેટલાક શબ્દો દૂર કરવામાં આવ્યા હતા. આ અંગે વિપક્ષ નેતાએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો.લોકસભાની કાર્યવાહીમાંથી ભાષણમાંથી કેટલાક શબ્દો હટાવવા સામે કોંગ્રેસ નેતાએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખતા કહ્યું કે ‘મારા વિચારોને કાર્યવાહીમાંથી હટાવવા એ સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં મારા ભાષણના હાટાવી દીધેલા ભાગોને પુનઃસ્થાપિત કરવા જોઈએ.’ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું ભાષણ પણ આરોપોથી ભરેલું હતું, પરંતુ તેમના ભાષણમાંથી માત્ર એક જ શબ્દ હટાવવામાં આવ્યો હતો. આને લઈને કરવામાં આવેલો ભેદભાવ સમજની બહાર છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મેં ગૃહમાં સત્ય રજૂ કર્યું. સંસદમાં લોકો સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવવાનો દરેક સાંસદને અધિકાર છે. આને ધ્યાનમાં રાખીને જ મેં મારું ભાષણ આપ્યું હતું.’ રાહુલ ગાંધીએ આજે સવારે એમ પણ કહ્યું હતું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે, પરંતુ વાસ્તવિકતામાં નહીં.’ તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીના પત્ર લખવા પર વળતો પ્રહાર કર્યો છે.